સુરત (Surat): કોરોનાએ (Corona Virus/Covid-19/Sars Cov-2) સરકારની મુશ્કેલીઓમાં બેસુમાર વધારો કર્યો છે. ગુજરાત સરાકરે કોરોના વચ્ચે આગામી આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10/12ની શાળાઓ અને કોલેજો શરૂ કરવાની જાહેરાત કર્યા પછી શાળાઓ અને કોલેજો શરૂ ચાલુ કરવા સામે વાલી મંડળમાં ગણગણાટ ચાલુ થઇ ગયો છે.
બુધવારે રાજ્યના શિક્ષણમંત્રી ચુડાસમાએ આગામી 11 જાન્યુઆરીથી ધોરણ-10 અને 12ના છાત્રો માટે શાળાઓ ચાલુ કરવા જાહેરાત કરી છે. જેને લઇ વાલીઓમાં ભારે ઉકળાટ જોવા મળ્યો છે. બોર્ડના ઉમેદવારોને આગળનાં વર્ષો માટે ગુજકેટ (Gujcet), નીટ (NEET), જેઇઇ (JEE) તેમજ નાટા (National Aptitude Test in Architecture-NATA) સહિતની કોમ્પિટેટિવ એક્ઝામ્સ આપવાની હોવાથી સરકારે તજવીજ શરૂ કરી છે. વળી બોર્ડના ઉમેદવારોની પરીક્ષા આડે પણ ગણતરીના મહિનાઓ બાકી છે. જેને કારણે શાળાઓમાં શિક્ષણ ચાલુ કરવા માટે સરકારે તખ્તો ગોઠવી દીધો છે.
પરંતુ સરકારના આ પ્રયાસ સામે વાલીઓએ પણ મોરચો ખોલ્યો છે. વાલીઓના મતે સરકારનો આ નિર્ણય જોખમી ગણાઇ રહ્યો છે. વાલીમંડળના આગેવાન ઉમેશ પંચાલે કહ્યું હતું કે, બોર્ડના ઉમેદવારોને શાળામાં કોરોના થાય તો સામી પરીક્ષાએ તેમની કેરિયર દાવ ઉપર લાગી શકે છે. તેવી જ રીતે શાળા ચાલુ કરતાં પહેલા કોને કોને કોરોના ટેસ્ટ કરાવવો તે પણ મોટો પ્રશ્ન છે. શાળામાં આવતાં પહેલાં છાત્ર તેમજ શૈક્ષણિક કે બિન શૈક્ષણિક સ્ટાફને કોરોના ટેસ્ટ કરાવવાનો કે કેમ ? આ ઉપરાંત જો ઘરેથી શાળાએ જતી વખતે સ્કૂલ બસ કે પરિવહન દરમિયાન જો કોરોના ચેપ લાગે તો શું કરવું વગેરે પ્રશ્નો વાલીઓ માટે કોયડાસમાન બની ગયા છે.
કોલેજોમાં હાલ સત્રાંત પરીક્ષા ચાલુ હોવાથી ફાઇનલ યરના ક્લાસ શરૂ થશે કે કેમ ?
રાજ્ય સરકારે કોલેજોમાં ફાઇનલ યરના ક્લાસ ચાલુ કરવા માટે જાહેરાત કરી છે. પરંતુ વાસ્તવમાં આગામી અગિયારમી તારીખે કોલેજો ચાલુ થશે કે કેમ તે મોટી સમસ્યા છે. કોલેજોમાં સવાર અને બપોર એમ બે શિફ્ટમાં પરીક્ષા લેવાઇ રહી છે. વળી, આ દરમિયાન પણ કોવિડ ગાઇડલાઇનનું પાલન અનિવાર્ય છે. જેના પગલે કોલેજો ચાલુ થશે કેમ તે મોટો યક્ષ પ્રશ્ન છે.