પારડી : પારડી (Pardi ) નજીક પારનદી પાસે એક સૂમસામ માર્ગ પર વલસાડની (Valsad) પરિણીત સિંગરની(Singer) કારમાં રહસ્યમય રીતે લાશ (Body) મળી આવી હતી. ઘટનાની જાણ પારડી પોલીસ (Police) અને વલસાડ LCB પોલીસને થતાં સ્થળ ઉપર ધસી આવી મૃતક મહિલા (Woman) અંગે તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળ ઉપર કારમાં(Car) પાછળની સીટ નીચે મૃત હાલતમાં મહિલા ગાયક કલાકારની લાશ પડી હતી. પોલીસે હાલ તો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાર નદીના કિનારે મારુતિ બલેનો કેટલાય સમયથી પડી રહી હોવાનું જણાતાં પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર ધસી આવી તપાસની તજવીજ હાથ ધરી હતી.
અજાણ્યા ઈસમે છોડી કારને લોક મારી ફરાર થઈ ગયો
પોલીસે કારનું લોક તોડી તપાસ કરતાં તેમાં વલસાડના નામાંકીત સિંગરની લાશ મળી આવી હતી. મહિલા ગાયકીની લાશને અંદર કોઈક અજાણ્યા ઈસમે છોડી કારને લોક મારી ફરાર થઈ ગયો હતો. પોલીસે લાશનો કબ્જો લઈ મૂતકનાં પરિવારને જાણ કરી હતી. મળી આવેલી લાશ પરિણીતા એક નામાંકીત સિંગર વૈશાલી બલસારાનાં નામે હોવાનું કારનાં નંબર પરથી માહિતી પ્રાપ્ત થઈ હતી. હાલ તો પરણિતાની હત્યાનું કારણ અને હત્યા કોણે કરી, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પતિએ પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી
ગાયિકા મહિલા વૈશાલીના પતિ હિતેશભાઈ બલસારાએ વલસાડ સિટી પોલીસ મથકમાં પત્ની ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. મૃતકનાં પતિ હિતેશ ઉર્ફે હેરી પણ એક ઓરકેસ્ટ્રામાં ગિટાર વગડતા અને સારા એવા કલાકાર હોવાની પણ માહિતી મળી હતી. ઘટના અંગે જાત માહિતી મેળવવા વલસાડનાં એસપી, ડીવાયએસપી ઉપરાંત પારડીના પીઆઈ મયુર પટેલ, વલસાડ સિટી પીઆઈ ડી.એમ.ઢોલ અને વલસાડ એલસીબીનાં પીએસઆઈ કે.એમ.બેરિયા વગેરે પોલીસની ટીમ પારડી આવી પહોંચી હતી. પારડી પોલીસે હાલ મહિલાનાં મૃત્યુ અંગે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી
જિલ્લાના પારડી તાલુકામાં પાર નદી પાસે એક શંકાસ્પદ હાલતમાં કાર ઉભેલી જોઈને સ્થાનિક લોકોએ આજુબાજુમાં કાર માલિકની શોધખોળ હાથ ધરી હતી. કાર માલિક ન મળતા સ્થાનિક લોકોએ પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કારમાં ચેક કરતા કારની પાછળની સીટના ફૂટરેક પાસેથી મહિલાની લાશ મળી હતી. પારડી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં લાશ મળી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે લાશનો કબ્જો મેળવી FSLની ટીમની મદદ મેળવી હતી. ઘટના અંગે વલસાડ LCBની ટીમને જાણ થતાં વલસાડ LCBની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.