પારડી: (Pardi) બગવાડા ટોલનાકા થઈ સુરત (Surat) તરફ રિક્શામાં દારૂ લઈને આવતી મહિલાઓને પોલીસ પકડી પાડે તે પહેલા ત્રણેય મહિલાઓ પોલીસને જોઈ ભાગી ગઈ હતી. જોકે પોલીસે રિક્શા ચાલકને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.
- પારડીમાં રીક્ષામાં દારૂની હેરાફેરી કરતી સુરતની 3 મહિલા પોલીસને ચક્મો આપી ફરાર
- 41 હજારના દારૂ સાથે રીક્ષાચાલકની ધરપકડ, મહિલાઓ પોલીસને જોઈને રીક્ષામાંથી ઉતરી નાસી છૂટી
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પારડી પોલીસની ટીમને બાતમી મળી હતી કે ત્રણ મહિલા કીકરલાથી સારણ, બગવાડા ટોલનાકા થઈ સુરત તરફ રિક્ષામાં દારૂની હેરાફેરી કરે છે, જેથી પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પારડીના સારણ ગામે બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે રોકી હતી. જે પહેલાં રિક્ષામાં બેઠેલી ત્રણેય મહિલા પોલીસને જોઈ ભાગી છૂટી હતી. પોલીસે રિક્ષા ચાલક ઉમેશ છોટુ પટેલ રહે. કીકરલા-પારડીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે રેક્ઝિનના થેલામાં ભરેલી દારૂની બોટલ નંગ 464 કિં. રૂ. 41,200 તેમજ રિક્ષા કિં. રૂ.30 હજાર સહિત કુલ રૂ. 71,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસને જોઈ ભાગી છૂટેલી ત્રણ મહિલા જ્યોતિબેન હસમુખ રાણા, મીનાબેન મહેશ રાણા અને નયનાબેન નવીનચંદ્ર રાણા (ત્રણેય રહે. સુરત)ને વોન્ટેડ બતાવી છે. પોલીસે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બલવાડા નેશનલ હાઈવે પરથી રૂ.3.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ઘેજ : ચીખલી પોલીસે બલવાડા નેશનલ હાઈવે પર ટેમ્પામાંથી 3.98 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એકની ધરપકડ કરી, અન્ય બે જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ, પૂર્વ બાતમીના આધારે પીએસઆઈ જયદીપસિંહ જાદવ ઉપરાંત મહેન્દ્રભાઈ, વિજયભાઈ, અલ્પેશભાઈ સહિતના સ્ટાફે બલવાડા નેશનલ હાઈવે પર ગુરુવારે રાત્રીના સમયે વોચ ગોઠવી સુરત તરફ જઇ રહેલા ટાટા ટેમ્પો નં. (એમએચ-04-એફજે-9782) ને અટકાવી તપાસ કરતાં તેમાંથી બીયર-વ્હીસ્કી-વોડકાની બોટલ નંગ-3972નો 3,98,400/- રૂપિયાનો વિદેશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ટેમ્પો મળી કુલ 8,98,900 /- રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ પોલીસે મયંક કિરણ સોનવણે (રહે.મકાન નં.203, રામપુરા અંધારની ખુણ, રેલ્વે સ્ટેશનની સામે સુરત)ને ઝડપી લઇ દારૂનો જથ્તો ભરીને આપી જનાર મોહસીન ઉર્ફે કાલુ તથા એક અજાણ્યો મળી બે-જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.