પારડી: પારડીના ગોયમા ગામે મોંઘીદાટ લક્ઝરિયર્સ ઓડી કારમાંથી રૂપિયા 1.51 લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પારડીના ગોઇમા ગામે જલારામ મંદિર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન વગર નંબરની ઓડી કાર આવતા પોલીસે રોકવાનો ઈશારો કરતા બુટલેગરે કાર હંકારી મૂકી હતી.
જેનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગરોએ આસમા રોડ ઉપર હંકારી ગોઈમા રાબડી રોડ ઉપર ઉભી રાખી કારમાં સવાર બે બુટલેગર ફરાર થઈ ગયા હતા. પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 1212 જેની કિં. રૂપિયા 1.51 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઓડી કાર ચાલક સુજીત ઉર્ફે સુજીયો હર્ષદ પટેલ (રહે. ગોઈમા) અને કેયુર રોહિત ભંડારી (રહે.બારડોલી સુરત) બુટલેગર ભાગી છુટતા પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. દારૂનો જથ્થો, મોબાઈલ સહિત કુલ રૂપિયા 11.51 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી ટાટાહોલની બાજુના પાર્કિંગમાંથી 32 હજારના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
નવસારી : નવસારી ટાટાહોલની બાજુના પાર્કિગમાંથી નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે 32 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ આપી જનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નવસારી ટાટાહોલની બાજુમાં આવેલા પાર્કિંગમાં છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસને સિલ્વર રંગની ઝેન એસ્ટીલો કાર (નં. જીજે-21-એમ-3126) માંથી 32,375 રૂપિયાની વિદેશી દારૂની 309 નંગ બાટલીઓ મળી આવતા નવસારી નહેરુનગર જૂની પાણીની ટાંકી પાસે રહેતા અબ્દુલ રહીમ અબ્દુલ રઝાક શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે અબ્દુલ રહીમની પૂછપરછ કરતા બીલીમોરા બીગરી ગામે રહેતા સીમાબેન મુકેશભાઈ પટેલ વિદેશી દારૂનો જથ્થો આપી ગઈ હોવાનું જણાવતા પોલીસે સીમાબેનને વોન્ટેડ જાહેર કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 1 લાખ રૂપિયાની કાર મળી કુલ્લે 1,32,375 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.