પારડી: (Pardi) પારડીના બગવાડા ટોલનાકા હાઈવે (Highway) પરથી ટેમ્પામાં પ્લાસ્ટિક ભંગારની આડમાં વિપુલ પ્રમાણમાં દારૂના જથ્થાની હેરાફેરી કરતા પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસ મથકના પીઆઈ બી.જે.સરવૈયાની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમી આધારે નેહા નં. 48 બગવાડા ટોલ નાકા પર વોચ ગોઠવી હતી. ત્યારે ટેમ્પો આવતા પોલીસે (Police) રોકી તપાસ કરતા પ્લાસ્ટિકના ભંગારની આડમાં વિપુલ પ્રમાણમાં 200 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોચાલક ધોન્ડુરામ લીંબાજી ગાયકવાડ (રહે.મુંબઈ)ને ઝડપી પાડ્યો હતો. દારૂની કિં.રૂ.12 લાખ અને ટેમ્પાની કિં.રૂ.5 લાખ સહિત કુલ રૂ. 17 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડની ધરમપુર ચોકડી પર પીકઅપમાંથી દારૂ ઝડપાયો
વલસાડ : વલસાડના અબ્રામા ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પરથી સિટી પોલીસની ટીમે બાતમીના આધારે પીકઅપ ટેમ્પામાંથી રૂ.1.54 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડીને એકની ધરપકડ કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ સૂત્રો પાસેની મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે અબ્રામા ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નેહાનં.48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળો પીકઅપ ટેમ્પો આવતા પોલીસે અટકાવી તપાસ કરતા તેમાંથી રૂ.1.54 લાખનો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 1824 મળી આવી હતી. પોલીસે થાણે ભિવંડીનો ટેમ્પોચાલક વાહીદબાનુ ખાનની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો ભરાવનાર અજય અને મંગાવનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૂ અને પીકઅપ મળીને કુલ રૂ.6.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
ખારેલ ઓવર બ્રિજ પાસે કારમાંથી દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ
ગણદેવી પોલીસે ખારેલ ઓવર બ્રિજનાં ઉત્તર છેડે રૂ. ૨૬૪૦૦ ના ૨૬૪ વિદેશી દારૂ પાઉચ ભરી લઈ જતી કાર સાથે રૂ. ૩,૨૬,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે માલ ભરાવનાર, મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. ગણદેવી પોલીસ ને.હા.નં.૪૮ ઉપર સોમવારે પેટ્રોલિંગમાં હતી. તે વેળા બાતમી મળી હતી કે રેનોલ્ટ ટ્રાઇબર કાર નં. ડીડી૦૧ એ ૫૯૧૪ માં ઇંગ્લીશ દારૂની ખેપ આવી રહી છે. જે ને.હા.નં. ૪૮ ઉપર થઇ સુરત તરફ જનાર છે તે બાતમી આધારે ખારેલ ઓવરબ્રિજના ઉત્તર છેડે ને.હા. નં. ૪૮ મુંબઇથી અમદાવાદ જતા ટ્રેક ઉપર નાકાબંધી ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતા રોકી તલાશી લેતા રૂ.૨૬૪૦૦ ના ભારતીય બનાવટ ઈંગ્લીશ દારૂનાં પાઉંચ નં.૨૬૪ મળી આવતા કાર ચાલક વિશાલ સંતોષ માંહ્યાવંશી (૨૨ રહે.પલસાણા ફળીયું ઉદવાડા)ની ધરપકડ કરી હતી. કાર કિં.૩ લાખ, મોબાઈલ રૂ.૫૦૦ મળી કુલ રૂ.૩,૨૬,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને માલ ભરી આપનાર રાહુલ પટેલ નાની દમણ તેમજ માલ મંગાવનાર વિશાલ (રહે. સચિન)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. વધુ તપાસ પીએસઆઇ સાગર આહીર કરી રહ્યાં છે.