પારડી: (Pardi) પારડી હાઇવે પર શ્રીનાથ હોટલ પાસે 5 વાહન વચ્ચે વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો. હાઇવે પર (Highway) ટ્રાફિકમાં ઊભી રહેલી મિની ટ્રાવેલ્સ લક્ઝરી બસને પાછળથી પૂરઝડપે હંકારી આવતા ટેમ્પો ચાલકે ટક્કર મારતા અકસ્માતમાં મિની ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં સવાર 11 પેસેન્જરને ઈજા પહોંચી હતી. તમામને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે સવાર સુધી ટ્રાફિક જામ રહ્યો હોવાની વાહનચાલકોમાં બુમ ઉઠી હતી.
- પારડી હાઇવે પર 5 વાહન વચ્ચે વિચિત્ર અકસ્માત
- મિની ટ્રાવેલ્સ બસને પાછળથી ટેમ્પો ચાલકે ટક્કર મારતા 11ને ઈજા
- ઘટનાને પગલે સવાર સુધી ટ્રાફિક જામ રહ્યો
- ઉભેલી મિની બસને ટેમ્પોની ટક્કર લાગતા આગળ ઉભેલી ટ્રક અને બાજુમાં ઉભેલી અન્ય એક ટ્રકની વચ્ચે ઘૂસી ગઇ
પારડી નેહાનં.48 શ્રીનાથ હોટલ પાસે વલસાડથી મુંબઈ જતા ટ્રેક ઉપર એક ટ્રકના ચાલકે તેની આગળ ઉભેલી અન્ય એક ટ્રકની પાછળ અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક જામ થયો હતો. તે દરમિયાન સુરત કતારગામથી 11 પેસેન્જર ભરીને મિની લક્ઝરી ટ્રાવેલ્સ બસનો ચાલક જમીલખાન પઠાણ દમણ જવા નીકળ્યો હતો. શ્રીનાથ હોટલ પાસે ટ્રાફિકમાં મિની બસ ઉભી હતી. ત્યારે પાછળથી આવતો ટેમ્પોનો ચાલક પુરઝડપે હંકારી લાવી જોરદાર ટક્કર મારતા મિની બસ આગળ ઉભેલી ટ્રક અને બાજુમાં ઉભેલી અન્ય એક ટ્રકની વચ્ચે ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.
મિની બસમાં સવાર પેસેન્જર ઉર્વીશા ગૌતમ માંગુકિયાને પગમાં ફેક્ચર થયું હતું. પિનલને ડાભા ભાગે ઇજા તેમજ ઈશિતાબેન, જેની અને ઉત્સવને કમરના ભાગે ઇજા પહોંચી હતી. આ સાથે શ્રેયા, ઋષિ, ખીલન, દીપને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના અંગે પારડી પોલીસ મથકે મિની બસ ચાલક જમીલખાન પઠાણે ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ઘટનાને પગલે સવાર સુધી ટ્રાફિક જામ રહ્યો હોવાની વાહનચાલકોમાં બુમ ઉઠી હતી.