પારડી: (Pardi) પારડીના રેંટલાવ રોડ ઉપર યુવકે 10 વર્ષના બાળકને ખોળામાં બેસાડી કારનું (Car) સ્ટીયરિંગ પકડાવી કાર હંકારતો વિડીયો માતાએ સ્ટેટસમાં (Status) મૂકતાં પતિએ પત્ની અને તેના સાઢુ ભાઇ સામે પારડી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. સુરતના કતારગામ દરવાજા પાસે રહેતા અને કન્સ્ટ્રક્શનના સુપરવાઇઝર તરીકે નોકરી કરતા જેનીશ જયકિશન રાઠોડે મંગળવારે પારડી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, 2 ઓગસ્ટના રોજ પત્ની ખુશ્બુ તથા સાઢુભાઇ નીરવ ચાવડા (રહે.,આણંદ) દમણ ખાતે એક કાર લઇ ફરવા માટે ગયા હતા.
બીજા દિવસે ફોનમાં પત્ની ખુશ્બુએ વોટ્સએપ સ્ટેટસ ઉપર એક વિડીયો ક્લીપ મૂકી હતી, જેમાં ફરિયાદીનો 10 વર્ષીય પુત્ર કારની ડ્રાઇવિંગ સીટ ઉપર સાઢુના ખોળામાં બેસી વાહન પૂરઝડપે હંકારી સામાન્ય લોકોનું જીવન જોખમાય એ રીતે બેદરકારીપૂર્વક રેંટલાવ બ્રિજ ઊતરતાં મુંબઇથી સુરત તરફ જતા દેખાઇ આવ્યો હતો. સાઢુએ કાર સ્ટીયરિંગ સગીર પુત્રના હાથમાં આપી પોતે બંને હાથ છૂટા રાખી દેતાનો વિડીયો વાયરલ કરી તેમાં થેન્ક યુ સો મચ માસા તેમ લખ્યું હતું. બાળક તેમજ અન્ય લોકોના જીવને જોખમમાં મૂકવા બદલ પોલીસે ફરિયાદીની પત્ની ખુશ્બુ જેનીશ રાઠોડ અને તેના સાઢુ નીરવ ચાવડા સામે ગુનો નોંધ્યો હતો.
ફરિયાદી જેનીશ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું કે, છેલ્લાં બે વર્ષથી પત્ની ખુશ્બુ પુત્રને સાથે લઇ વલસાડના કોસંબા ભાગડાવડા ખાતે પિયરમાં રહે છે. વિડીયો જોયા બાદ પત્નીની સમાજમાં બદનામી ન થાય એ માટે ફરિયાદ કરી ન હતી. પરંતુ ફરીવાર ભવિષ્યમાં આવું કૃત્ય ન કરે એ હેતુથી ઘરના સભ્યો સાથે ચર્ચા-વિચારણા કરી ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું હતું.