પારડી: (Pardi) પારડીના અરનાલામાં લગ્ન (Marriage) પ્રસંગે હાજરી આપવા જતા બાઈક (Bike) ચાલકને સામેથી આવતા બાઈક ચાલકે જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યુ હતુ.
બાબરખડક ગામે વાડી ફળિયા ખાતે રહેતો પ્રદીપ સતિષ ગાયકવાડ તેના સંબંધી ગીતાબેન દિનેશ પટેલ (ઉવ.34 રહે.ઓઝર પીપળા ફળિયા) અને રચનાબેન નવીન પટેલ (રહે. ડહેલી) સાથે તેમના સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે રાત્રે મોટાપોઢા ગામે ગયા હતા. જ્યાં હાજરી આપી પરત ત્રણેય જણા બાઇક પર સવાર થઈ ડેહલી ગામે રચનાબેનના ઘરે જતા હતા. ત્યારે અરનાલા ગામના પેટ્રોલ પંપ સામેથી પસાર થતા હતા. તે દરમ્યાન પારડી તરફથી આવતા અન્ય એક બાઇકના ચાલક સંદીપ સુરેશ ચૌધરી (રહે. કાક્ડકોપર નિશાળ ફળિયા) અને સવાર ધનસુખ મગનને બેસાડી પુરપાટ ઝડપે બાઇક હંકારતા બંને બાઇક સામ સામે ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર ગીતાબેનને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તેનો ચાલક પ્રદીપનો બચાવ થયો હતો. જ્યારે રચનાબેનને પગમાં ઇજા પહોંચી હતી.