પારડી: (Pardi) પારડીના ડુંગરી ગામની સીમમાં શનિવારે બાઇક (Bike) સ્લીપ થતા પરિયાના યુવાનને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં (Valsad Civil) ખસેડાયો હતો. જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ક્લાકો બાદ પણ લાશ પીએમ વિના રઝળતી રહેતા પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો હતો. જોકે, સિવિલના ડોક્ટર અને પોલીસે એકબીજા પર ખો નાંખી જવાબદારીમાંથી છટકી જવા લૂલો બચાવ કર્યો હતો.
- અકસ્માતમાં યુવાનના મોત બાદ ક્લાકો સુધી લાશ પીએમ વિના રઝળતી રહી
- પારડીના ડુંગરીની સીમમાં બાઇક સ્લીપ થતા પરિયાના યુવાનનું મોત થયું હતું
- સિવિલના ડોક્ટર અને પોલીસે એકબીજા પર ખો નાંખી જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ
પારડી તાલુકાના પરીયા મોટા ફળિયામાં રહેતો 30 વર્ષીય બે સંતાનના પિતા હરેશ કાંતિ પટેલ ગતરોજ 4 સાંજે કલાકે ઉદવાડા તરફથી તેના ઘરે પરીયા બાઈક પર આવી રહ્યો હતો. તે દરમિયાન દશવાડા ચારરસ્તા રાવલ ફાર્મ ડુંગરી ગામમાં તેની બાઈક અચાનક સ્લીપ થતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને પ્રથમ પારડી સીએચસી ખાતે સારવાર અર્થે લઇ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઇ જવા કહેતા ત્યાં વધુ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન સાંજે 6.30 કલાકે હરેશ કાંતિ પટેલનું મોત નીપજ્યું હતું. પારડી પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ મૃતકના પરિવારે કલાકો સુધી લાશને પીએમ કરીને નહીં આપતા તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
પારડી હાઇવે પર કારચાલકે બાઈકને અડફેટે લેતાં ચીખલીના ચાલકનું મોત
સુરત : પારડીના ઉદવાડા ખાતે ચીખલીના કણભઇ ગામે દેસાઇ ફળિયામાં રહેતો પિયુષ રાજકુમાર હળપતિ ગત તા.12 મેના રોજ તેના ઘરેથી તેના મિત્રને ત્યાં લગ્નમાં બાઇક લઈને આવ્યો હતા. પરત ફરતી વેળાએ મોતીવાડા બ્રિજ ચઢતા બેફામ જતી એક કારના ચાલકે પિયુષની બાઇકને અડફેટમાં લેતા પિયુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. અકસ્માત સર્જી કાર ચાલક કાર લઈ ભાગી છૂટ્યો હતો. બીજી તરફ ઇજાગ્રસ્ત પિયુષને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ ગંભીર ઇજા હોવાથી વધુ સારવારની જરૂર પડતાં સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સુરત પોલીસે પીએમ કરાવ્યુ હતું. જે બાદ પારડી પોલીસ મથકે રવિવારે ફરિયાદ નોંધાતા પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.