પારડી: (Pardi) પારડી તાલુકાના પરીયા ગામે રહેતો મનહર છીબુ પટેલ બાઇક (Bike) લઈને કામ અર્થે જઈ રહ્યો હતો. તે દરમિયાન ટુકવાડા ગામે ઓવર ફળિયા પાસે રોડ ઉપર ડુક્કર (Pig) આવી જતા તેને બચાવવા જતા બાઈક વીજપોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
- રોડ ઉપર ડુક્કર આવી જતા બેલેન્સ ગુમાવ્યા બાદ બાઈક વીજપોલ સાથે અથડાતા યુવાનનું મોત
- વીજપોલ સલવાવ સ્વામિનારાયણ શાળાના બસ ચાલકના માથા ઉપર પડતા મોત નિપજ્યું
- 3 વર્ષની દીકરી અને દોઢ માસના માસુમે પિતાની છત્રછાયા ગુમાવી
વીજપોલ બાઈક ચાલકના માથા ઉપર પડતા ગંભીર ઇજા પહોંચી હતી. જેની જાણ આસપાસના લોકોને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક મોહન દયાળ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે ઇજાગ્રસ્ત મનહરભાઈને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકના ભાઈ જતીન છીબુ પટેલે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. મનહર પટેલ સલવાવ સ્વામિનારાયણ સ્કૂલ બસનો ચાલક હતો અને 3 વર્ષની દીકરી અને દોઢ માસના માસુમે પિતાની છત્રછાયા ગુમાવી હતી.
ઉચ્છલના ભડભુંજા પાસે બાઇકની અડફેટે બે મહિલા ઘાયલ
વ્યારા: ઉચ્છલના આનંદપુર ગામે રહેતાં રંજનબેન બાળુભાઇ ગામીત મેસ્ટ્રો મો.સા. નં.(GJ-26-H-4530) ઉપર નવાપુરના આમલાડથી પોતાના ઘરે જતા હતા. એ દરમિયાન ભડભુંજાની સીમમાં ભડભુંજા આશ્રમ શાળાની નજીક સોનગઢથી નવાપુર તરફ ને.હા.નં.૫૩ ઉપર આવતા સોનગઢ તરફથી એક સિલ્વર કલરની બજાજ કંપનીની નંબર વગરની પલ્સર મો.સા.ના ચાલકે પોતાની મો.સા.ને પૂરઝડપે, ગફલતભરી રીતે ચલાવી તેઓની મો.સા.ને અકસ્માત કરતા બાઇકચાલક પ્રિતીબેન ચંદુભાઇ ગામીત (ઉં.વ.૨૭) સાથે રંજનબેન ગામીત રોડ ઉપર પડી ગયાં હતાં. જેમાં પ્રિતીબેન તથા રંજનબેનને ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત કરી ભાગી છૂટેલા બાઇકચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નઘોઈની નહેરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી
સાયણ, ઓલપાડ ટાઉન: ઓલપાડના નઘોઈ ગામની સીમની નહેરના ઊંડા પાણીમાં તણાઈ આવેલી એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી છે. ધર્મેશ ભગવતી પટેલના સરવે નં.૧૨૫વાળી જમીનની બાજુમાંથી પસાર થતી નહેરમાં લાશ હોવાની જાણ થતાં વેરાઇ માતાજી ફળિયામાં રહેતા હેમલ પટેલે ઓલપાડ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતકના વંશ વાલી વારસોને શોધવાની તજવીજ હાથ ધરી છે.