Sports

Paralympics 2024: ભારતે મેળવ્યા 4 મેડલ, અવનીએ ગોલ્ડ અને પ્રીતિએ કાંસ્ય મેળવી રચ્યો ઇતિહાસ

ભારતે પેરાલિમ્પિક્સમાં શાનદાર શરૂઆત કરી હતી. મેડલ ટેલીમાં ભારતને 30 ઓગસ્ટે 3 મેડલ મળ્યા છે. અવની લેખરાએ પોતાનો જ રેકોર્ડ તોડીને સતત બીજી વાર શૂટિંગમાં ગોલ્ડ મેળવી ભારતના મેડલનું ખાતુ ખોલ્યું હતું. ત્યારબાદ મોના અગ્રવાલે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યે હતો. જ્યારે 90 મિનિટમાં ભારતને ત્રીજો મેડલ મળ્યો હતો જે પ્રીતિ પાલે ટ્રેક ઇવેન્ટમાં જીત્યો હતો. પ્રીતિએ બ્રોન્ઝ મેડલ જીતી ઇતિહાસ રહ્યો છે. ભારતનો ચોથો મેડલ પુરુષોની શૂટિંગમાં આવ્યો, જેમાં મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલની SH1 શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો છે.

અવની લેખરાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં પણ ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. બીજી તરફ મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીતીને અવની સાથે પોડિયમ શેર કર્યું હતું. હવે પ્રીતિ પાલે બ્રોન્ઝ મેડલ જીતીને મેડલ ટેબલમાં ભારતને ફાયદો કરાવ્યો છે. ભારત હવે 1 ગોલ્ડ, એક સિલ્વર અને 2 બ્રોન્ઝ સાથે મેડલ ટેબલમાં આગળ આવી ગયું છે.

પ્રીતિ પાલે પેરાલિમ્પિક્સ 2024માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે મહિલાઓની 100 મીટર T35 કેટેગરીની રેસમાં મેડલ જીત્યો છે. 30 ઓગસ્ટે ભારતે જીતેલો આ ત્રીજો મેડલ છે. પ્રીતિએ ઈતિહાસ પણ રચ્યો છે કારણ કે તે પેરાલિમ્પિક ગેમ્સની ટ્રેક ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની છે.

T35 કેટેગરીની મહિલાઓની 100 મીટર રેસની ફાઇનલમાં ભારતની પ્રીતિ પાલે 14.21 સેકન્ડમાં રેસ પૂરી કરી અને ત્રીજું સ્થાન મેળવ્યું. પ્રથમ અને દ્વિતીય સ્થાન ચીનના દોડવીરોએ હાંસલ કર્યું હતું. ચીનની જિયા (13.35 સેકન્ડ) અને ગુઓએ 13.74 સેકન્ડમાં રેસ પૂરી કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે પ્રીતિ પાલે આ વર્ષે કોબીમાં આયોજિત વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં બ્રોન્ઝ મેડલ જીતીને પેરિસ ઓલિમ્પિકની ફાઈનલમાં સીધી જગ્યા બનાવી લીધી હતી. જો કે પ્રીતિ ગયા વર્ષે પેરા એશિયન ગેમ્સમાં કોઈ મેડલ જીતવાથી વંચિત રહી હતી પરંતુ હવે તેણે બ્રોન્ઝ મેડલ જીતીને 140 કરોડ ભારતીયોને ખુશી આપી છે.

મનીષ નરવાલે સિલ્વર મેડલ જીત્યો
ભારતનો ચોથો મેડલ પુરુષોની શૂટિંગમાં આવ્યો જેમાં મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલની SH1 શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો. તે 234.9ના અંતિમ સ્કોર સાથે બીજા ક્રમે રહ્યો હતો. કોરિયાના જિયોન્ગ્ડુ જોએ 237.4 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિશ્વ અને પેરાલિમ્પિક રેકોર્ડ ધારક ચીનના ચાઓ યાંગ 214.3 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યા. તેણે ટોક્યોમાં 237.9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ જીત્યો હતો. તેની પાસે 241.8 પોઈન્ટનો વર્લ્ડ રેકોર્ડ પણ છે.

અગાઉ અવની લેખરાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં સારું પ્રદર્શન કર્યું હતું અને ફાઈનલની ટિકિટ મેળવી હતી. અવની ક્વોલિફિકેશન રાઉન્ડમાં 625.8ના સ્કોર સાથે બીજા સ્થાને રહી હતી અને પેરાલિમ્પિક રેકોર્ડથી ચૂકી ગઈ હતી. તેનો સ્કોર પેરાલિમ્પિક રેકોર્ડ કરતાં માત્ર 0.2 પોઈન્ટ ઓછો હતો. જ્યારે મોના 623.1ના સ્કોર સાથે પાંચમા ક્રમે રહી હતી.

અવની લેખા જયપુરની રહેવાસી છે અને સ્ટાર પેરા શૂટર છે. તેના નામે એક જ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતવાનો રેકોર્ડ છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં તેણે 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે તેણે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે પેરિસમાં મેડલ જીતવા સાથે તે સતત 2 પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પેરા એથ્લેટ બની ગઈ છે.

Most Popular

To Top