માર્ગે જતાં આવતાં તરસ્યાં માણસો, વટેમાર્ગુને મફત પાણી પીવાની જગ્યા, ઠેકાણું એટલે પરબ. પહેલાં રસ્તામાં મુસાફરોને પાણી પીવાની ધર્માદા ગોઠવણ પરબ હતી. આજે તો પાણીના પણ પૈસા! આજે પાણી પાઉચ અને બોટલ તે પણ પ્લાસ્ટિકમાં ઉપલબ્ધ હોય છે. મને યાદ છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે હું પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો ત્યારે છાસ પણ મફતમાં મળતી. આજે જમાનો બદલાયો છે. પરિવર્તનના નામે આગળ વધે છે. ક્યાંક વાંચવામાં આવ્યું કે પરનિંદાની પરબ માંડનારાઓની સંખ્યા ઘટે તો સારું. કહેવાતાં લોકોને પરનિંદા, બીજાની બદબોઈ, પરાયાની-પારકી નાલેશી કરવાની કુટેવ હોય છે.
બીજાનું માત્ર વાંકુ અને ખરાબ ન બોલે ત્યાં સુધી ખાવાનું પચતું નથી, પેટમાં દુઃખે છે. અપકીર્તિનું કલંક વહોરી લે છે. વ્યક્તિ હાજર હોય ત્યાં સુધી મીઠું મીઠું બોલે અને વ્યક્તિ સ્થળ છોડે, જાય કે તરત તેને માટે ઘસાતું બોલવાનું ચાલુ કરી દે. હાજર સૌને આ વ્યક્તિની આદતોની જાણ હોવા છતાં તેને અટકાવી શકતા નથી. અરે ભાઈ! તમારી ગેરહાજરીમાં તમારા માટે ક્યાં સારું બોલે છે. સૌ માટે ખરાબ કહેવાની કુટેવ સારી નથી. પરનિંદા કરનારને ઉઘાડા કરીને સુધારવા જોઈએ. એ વ્યક્તિ ક્યા પક્ષમાં છે તે ખબર જ પડતી નથી. જે હાજર હોય તે પાટલીમાં બેસી જાય. આપણો વિકાસ થવો જોઈએ, બીજાનું જે થવું હોય તે થાય! ચેતીને ચાલીએ બીજું શું?
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
માનવીના જાનનું અવમૂલ્યન
5 એપ્રિલના ‘ગુજરાતમિત્ર’ના અહેવાલ મુજબ એક જ અઠવાડિયા દરમિયાન સાત હત્યા થઈ છે. શું માનવજીવન એટલું સસ્તું થઈ ગયું છે કે નજીવી બાબતમાં ક્રોધ પ્રગટ થતાં હત્યા થઈ જાય? આપણું સામાજિક અને માનસિક સ્તર આટલી નીચલી કક્ષાએ ઊતરી જાય કે ફકત વહેમ હોવાને કારણે કોઇએ જાનથી હાથ ધોવા પડે. કોઇ બાતમીના વહેમમાં યુવકને દોડાવીને મારી નાખે. કોઇ સ્ત્રી પતિને પ્રેમી સાથે મળીને રહેંસી દે. આ કેવી માનસિકતા? મનમેળ ન હોય તો છૂટાં પડી શકાય, પણ હત્યા કેવી રીતે કરી શકાય? જેનાં કુટુંબીજનોની વ્યકિતની હત્યા થઈ હોય એ કુટુંબીજનોની માનસિક પરિસ્થિતિ કેટલી દયનીય હોય.
કોઇનો આધાર છીનવાઈ જાય એ પરિવાર પણ કેટલું દુ:ખી થાય, કયારેક હત્યાના ગુનામાં સાબિતી ન હોવાના કારણે ગુનેગાર નિર્દોષ છૂટી આરામથી સમાજમાં ટહેલતા હોય અને અન્ય ગુનાઓ કરતાં જ રહે. આ પણ એક કરુણ વાસ્તવિકતા છે જ. કયારેક જામીન પર છૂટયા બાદ સ્વયંના અસલી ગુનાહિત માનસને કારણે દાદાગીરી દાખવી નિર્દોષ વ્યકિતઓને રંજાડતા જ હોય છે. આવી માનસિકતા સદંતર અયોગ્ય જ કહેવાય. આવી વ્યકિત સમાજ માટે ખતરારૂપ નિવડી શકે.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.