ભાવનગર: ગુજરાતમાં એક પછી એક પરીક્ષાને લગતી ગેરરીતીના કિસ્સા સામે આવી રહ્યા છે. આ ગેરરીતી માત્ર સરકારી ભરતી પરીક્ષા અથવા તો કોલેજની પરીક્ષા સુધી જ નથી રહી હવે આ ગેરરીતી સ્કૂલમાં થવા લાગી છે. ભાવનગરના તળાજા તાલુકાના નેસવડ ગામમાંથી પ્રશ્નપત્રોની ચોરીની ઘટના સામે આવી છે. શાળાના આચાર્યે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ભાવનગરના તળાજા તાલુકાના નેસવડ ગામની પ્રાથમિક શાળાના ધોરણ 6થી 8ના વાર્ષિક પરીક્ષાના પેપર ચોરાઈ જતા શાળાના સંચાલકો ચિંતામાં આવી ગયા છે. શાળાના આચાર્યે પ્રશ્નપત્રો ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ
ધોરણ 7ની પરીક્ષા 22 અને 23 એપ્રિલ સુધી રદ કરવામાં આવી છે. સોમવારથી રાબેતા મુજબ ધોરણ 7ની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે અન્ય ધોરણની પરીક્ષા સમયપત્રક મુજબ લેવામાં આવશે. મળતી માહિતી અનુસાર શાળામાંથી ધોરણ7 અને 8ના 22 પેપર ચોરી થયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં ભાવનગર LCB સહિત પોલીસકાફલો નેસવાડ સ્કૂલમાં તપાસ માટે પહોંચી ગયો છે.
પેપરની ચોરી કઈ રીતે થઈ?
તળાજા તાલુકાના નેસવડ ગામની પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષા લેવામાં આવી રહી છે. શાળાના જણાવ્યા અનુસાર સ્કૂલમાં ગઈકાલે પરીક્ષાના ધોરણ 6થી 8ના પ્રશ્નોપત્રો જે રૂમમાં મૂક્યા હતા તે રૂમનો દરવાજો ખુલ્લો હતો. શિક્ષકો દ્વારા લગાવવામાં આવેલું તાળું તોડીને કોઈ અજાણ્યા ઈસમો રૂમમાં પ્રવેશ્યા હતા. તો બીજી તરફ રૂમમની લોંખડની બારી પણ તૂટેલી જોવા મળી હતી. આ રૂમમાં ધોરણ 6થી 8ના 88 પ્રશ્નપત્રો મૂકવાામાં આવ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા તપસા કરતા જાણવા મળ્યું હતું કે પેપર ઓછા છે અને પેપરની ચોરી થઈ છે. જેમાંથી ધોરણ 7ના 21 પ્રશ્નપત્ર અને ધોરણ 8નું 1 પ્રશ્નપત્ર ચોરાયું છે. શાળાના આચાર્ય અને શિક્ષકોએ પરીક્ષાના પ્રશ્નપત્રો ચારી થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. LCBએ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનેકવાર પેપર ફૂટ્યાંની ઘટના સામે આવતી રહે છે. આ અગાઉ પણ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં હિન્દીનું પેપર અડધા કલાકમાં ફરતું ગઈ હતું. પરંતુ શિક્ષણ વિભાગના અનુસાર તેને પેપર ફૂટ્યું ન કહી શકાય. ત્યાર બાદ શિક્ષણ બોર્ડે પેપર ફરતાં થયા મુદ્દે તપાસ હાથ ધરી હતી. ધોરણ 10ના હિન્દીના પેપરમાં પુછાયેલા સવાલના હાથથી લખાયેલા જવાબ સોશિયલ મીડિયામાં વાઇયરલ થયા હતાં.