ટી 20 વલ્ડૅ કપ ટુર્નામેન્ટની ભારત-પાકિસ્તાનની પ્રથમ મેચથી જ જોઈ શકાતું હતું કે ભારતીય ટીમની બૉડી લેંગ્વેજ બિલકુલ પોઝીટીવ ન હતી.ન્યૂઝીલેન્ડ સામે પણ એવી જ નિરાશાજનક રમત રમી કાગળ પર ખૂંખાર દેખાતી ‘ કોહલી કી ટોલી ‘ મેદાન પર ઘૂંટણિયે પડીને હારતી રહી. ક્રિકેટપ્રેમીઓ માત્ર જીત જ ઝંખે છે એવું નથી. ભારત હારે પણ રણમેદાનમાં જેમ સૈનિક અંતિમ શ્વાસ સુધી દુશ્મન સામે ઝઝૂમે તેવા કોઈ પ્રયત્નો ભારતીય ટીમ કરતે તો નિરાશા ઓછી થઈ હોત. શેરી ક્રિકેટને પણ સારી કહેવડાવે તેવી રમત કાગળ પરની શ્રેષ્ઠ ટીમ રમી. હરીફ ટીમ સામે શરણાગતિ સ્વીકારી વિકેટની લ્હાણી કરાવતા રહ્યા.
મેદાન પર ટકી રહીને પ્લાન મુજબ શૉટસિલેકશન કરી રમવાને બદલે દરેક બેટર્સ બિનજવાબદાર શૉટ્સ રમીને પેવેલિયનમાં વહેલા પહોંચવાની સ્પર્ધા કરતાં રહ્યા. એક બે હાર કે આખી ટુર્નામેન્ટ ગુમાવવાનો પણ રંજ ક્રિકેટચાહકોને નથી. કારણ જેઓ ક્રિકેટનો ક જાણે છે તે એ પણ જાણે છે કે ‘ ક્રિકેટ ઈઝ અ ફની ગેઈમ.’ પણ હરીફ ટીમનો સામનો કરવાની મહાન ખેલાડીઓ દરકાર પણ ન કરે એ જ ડંખ ભારતીયોને પીડા આપે છે. પેવેલિયનમાંથી ધક્કો મારીને મેદાન પર મોકલાતા હોય એવી બોડી લેંગ્વેજ હતી. પાકિસ્તાન સામેની હારના આઘાતમાંથી હજીયે બહાર જ નથી આવ્યા એવાં હારેલા, થાકેલાં દેખાતા હતા.હારમાંથી શીખવાને બદલે ભૂલોની પરંપરા કરતાં રહ્યા. ભાઈ ગેઈમ છે, કોઈનો ઈજારો લાંબો ટકતો નથી. ભારતની શાન જાળવવા બાકીની મેચોમાં અસલી રમત રમે, મોટા માર્જિનથી જીતે અને સેમિફાઇનલ સુધી પહોંચે એવી આશા કરોડો હિન્દુસ્તાનીઓએ હજુ મૂકી નહિ હોય!
સુરત – અરુણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.