Editorial

પેપર લિક કાંડ : ગુજરાતમાં ‘શરમ’ શબ્દ હવે ભૂતકાળ બની ગયો છે

રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. આ પરીક્ષા માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં તૈનાત કરવામાં આવ્યો હતો. 1181 જગ્યા માટે આ પરીક્ષા યોજાવાની હતી.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થયું હોવાથી પ્રાથમિક માહિતી બહાર આવી છે. જેમાં તેલંગાણા, બિહાર, ઓડિશા સહિતના રાજ્યોના લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત એટીએસની અલગ અલગ ટીમો આ અલગ અલગ રાજ્યોમાં તપાસ કરવા માટે પહોંચી ગઈ છે. વડોદરા ખાતે આવેલા એક ક્લાસિસમાં આ પેપર મોકલવામાં આવ્યું હતું અને ત્યાંથી પેપર કેટલાક ઉમેદવારો લેવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી ગુજરાતી એટીએસે મોડી રાત્રે આ વડોદરાના ક્લાસિસ પર ઓપરેશન કર્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. 15થી વધારે લોકોની અટકાયત કરી અને હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પરીક્ષામાં ગેરરીતિ નહીં થાય તે માટે વર્ષોથી ચાલી આવતી બીબાઢાળ સૂચનાઓ સરકાર તરફથી આપી દેવામાં આવી હતી.

જે મુજબ  પરીક્ષામાં કોઈ પણ ઉમેદવાર મોબાઇલ લઈ જઈ શકશે નહીં. ઉપરાંત પરીક્ષાના સમય પહેલા કોઈ પણ ઉમેદવાર સેન્ટર છોડી શકશે નહીં એટલે કે પરીક્ષાના સમય દરમિયાન ફરજિયાત ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવું પડશે. તે સાથે પરીક્ષાના સમય કરતા એક કલાક પહેલા ઉમેદવારોએ પરીક્ષા સેન્ટર પર પહોંચી રિપોર્ટિંગ કરવાનું રહેશે. ગુજરાત પંચાયત સેવા પસંદગીના સચિવ ભારત પરમારે જણાવ્યું હતું કે, પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપરને સાચવી રાખવા માટે સ્ટ્રોંગ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે. પરીક્ષા માટે પોલીસ સહિતના કર્મચારીઓની પણ નિયુક્તિ કરવામાં આવી છે. પેપરો સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા સેન્ટર સુધી જાય ત્યાં સુધીનું મોનિટરિંગ કરવામાં આવશે.

ઉપરાંત પેપર લઇ જનારા વાહનોમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ પણ સાથે સાથે પેપરનું ડિસ્ટ્રિબ્યુશન કરાશે. પરીક્ષા કેન્દ્રોમાં પણ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. પરીક્ષામાં સીસીટીવીથી સર્વેન્સ કરવામાં આવશે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય નહીં તે માટે તમામ આયોજન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જો કે, વાત એ છે કે, પેપર લિક નહીં થાય તે માટે ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે પહેલા જ પેપર ફરતું થઇ ગયું હતું. થોડા વર્ષો પહેલા બિહારમાં યુપીએસસનીની પરીક્ષાનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ચાર માળની બિલ્ડિંગના પરીક્ષા કેન્દ્રમાં એક ટોળું ચોથા માળની પાળી સુધી ચડીને પરીક્ષાર્થીઓને ચોરી કરાવી રહ્યું હતું.  દેશભરના જુદા જુદા અખબારોમાં આ તસવીરને પહેલા પાને સ્થાન મળ્યું હતું. જો કે, આ ફોટો સારી બાબતનો ન હતો. દેશ માટે શરમજનક કહી શકાય તે પ્રકારનો હતો. પરંતુ હવે ગુજરાતના શબ્દકોષમાંથી શરમ નામનો શબ્દ જ ગાયબ થઇ ગયો છે. અહીંના રાજકારણીઓ માટે શરમ શબ્દ ભૂતકાળ બની ગયો છે. આ જ કારણસર શરમની વાત તો દૂર રહી પરંતુ તેમના મૌનમાં પણ અટ્ટહાસ્ય નજર પડે છે. શરમ જ લાગતી નહીં હોય તો નૈતિકતા તો ખૂબ જ દૂરની વાત છે. આટલું આટલું થયા પછી પણ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ પરીક્ષાર્થીઓ ઉપર ઉપકાર કરી રહી હોય તે રીતે બસમાં ઘરે જવાની મફત ટિકિટ આપવાની હાસ્યાસ્પદ વાત કરી રહ્યું છે.

અહીં લાખો વિદ્યાર્થીઓ તેમનું ભવિષ્ય બનાવવા માટે આવ્યા હતાં નહીં કે કોઇ પર્યટન માટે કે તેમને મફત ટિકિટ આપીને તમે ઉપકાર કરી રહ્યાં છો. આ વાત આજ કાલની નથી છેલ્લા ચાર વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. જૂનિયર ક્લાર્કની પરીક્ષા આપતા આપતા ઉમેદવારો સિનિયર સિટિઝન બની જશે તો પણ તેઓ પરીક્ષા આપી શકશે નહીં. હવે ફરી એક વખત તપાસનું નાટક શરૂ થશે. જુદી જુદી કમિટિની રચના થશે અને આ હવે ગુજરાતની જાહેર પરીક્ષાઓ માટે રૂટિન થઇ ગયું છે.  વર્ષોથી એકધારી મહેનત કરી રહેલા અને સરકારી નોકરીની આશા રાખતા વિદ્યાર્થીઓના ગાલ ઉપર ફરી એક વખત સણસણતો તમાચો મારવામાં આવ્યો છે તેમ કહીએ તો પણ ખોટું નથી.

બહુ દૂરની વાત તો નહીં કરીએ ગુજરાતના લઠ્ઠાકાંડ, મોરબી પુલ દુર્ઘટના જેવી ઘટનાઓ હજી લોકોના માનસપટલ ઉપર છે અને તેમાં પણ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે પરંતુ તેમાં પણ હજી કોઇ નક્કર પરિણામ આવી શક્યું નથી. 156 બેઠક ઉપર વિજય મેળવ્યા પછી ગુજરાતના નેતાઓ ચૂંટણી પછી મોટી મોટી વાતો કરતાં જોવા મળે છે કે,‘હું આટલી લીડથી જીત્યો’,  ‘હું તેટલી લીડ થી જીત્યો’. પરંતુ હકીકત એ છે કે, આ વિજય તેમને તેમની લોકચાહનાથી કે અંગત ક્ષમતાથી નથી મળ્યો. આ તો તેમને પક્ષના વારસામાં મળ્યો છે. જો કોઇ ઉમેદવારમાં લીડ મેળવવાની તાકાત હોય પક્ષના બેનર કે નિશાન વગર ચૂંટણી લડીને બતાવે. જો તેઓ તેમની ડિપોઝિટ બચાવી શકે તો પણ ભયો ભયો છે. આ તો ગુજરાતની પ્રજા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જોઇને વોટ આપે છે. એટલે જીત મેળવ્યા પછી તેમની ક્ષમતાનું 10 ટકા કામ કરો તો પણ
ઘણું છે.

Most Popular

To Top