આણંદ : રાજ્ય સરકાર દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાના પેપર ફુટ્યા બાદ પરીક્ષા રદ્દ થતાં ઘેરા પડઘા પડ્યાં છે. આ અગાઉ પણ લોકરક્ષક સહિતની પરીક્ષાના પેપર ફૂટ્યા હોવાના અહેવાલોના પગલે પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેને લઇ કોંગ્રેસ દ્વારા આણંદ શહેરના અમુલ ડેરી રોડ પર બુધવારના રોજ દેખાવો, સૂત્રોચ્ચાર અને ચક્કાજામનો કાર્યક્રમ આપતાં અફડા તફડી મચી ગઈ હતી. જોકે, પોલીસે અટકાયતી પગલાં ભરતાં નાટ્યાત્મક દ્રશ્યો જોવા મળ્યાં હતાં. આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ, આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ તથા આણંદ જિલ્લા એનએસયુઆઈ તથા આણંદ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા બુધવારના રોજ અમુલ ડેરી રોડ પર દેખાવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ અંગે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, હેડકલાર્કના પેપર હોય, પોલીસની ભરતીના પેપર હોય એવા ઘણા સમયથી રાજ્ય સરકારની મીલીભગત અને નિષ્કાળજીને કારણે વિવિધ ભરતીના પેપર ફુટી રહ્યાં છે. જે લોકો પેપર ફોડે છે તેમને છાવરવાનું કામ ભાજપ સરકાર કરતી હોય તેવું લાગી રહ્યું છે. નાના માણસોને પકડી મુખ્ય સૂત્રોધારોને સરકાર પકડી રહી નથી . તેના કારણે લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળે છે. રાજ્યના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ભાજપ સરકાર ચેડાં કરી રહી છે. જે મુખ્ય આરોપીઓ છે તેની ધરપકડ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ સાથે ધારણા કરવામાં આવ્યાં હતાં.
સાથે ભાજપ સરકાર ગૌણ સેવા પસંદગીના ચેરમેન અસિત વોરાનું રાજીનામું લેવામાં આવે સાથે જે લોકોની મીલીભગત છે, તેમને પકડી સખત સજા કરવામાં આવે અને હાઈકોર્ટની નિગરાનીમાં આખા પેપર ફોડ કૌભાંડની તપાસ કરવામાં આવે અને સાથે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, તેમને જ્યારે નવી પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવે ત્યારે તેમને રહેવા જમવા સાથે ટ્રાવેલિંગ ખર્ચ આપવામાં આવે અને વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવે અને જો ઉપર મુજબ સરકાર પગલાં નહીં લે તો ગુજરાત કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એનએસયુઆઇ દ્વારા ગાંધી ચિધ્યાં માર્ગે વિદ્યાર્થીઓને સાથે લઈ વિદ્યાર્થી હીતમાં આંદોલન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, આણંદ જીલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ કપિલાબેન ચાવડા, યુથ કોંગ્રેસના નેશનલ સચિવ ડો.પલક વર્મા, આણંદ જીલ્લા કોંગ્રેસ મીડિયા સેલના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચાવડા, આણંદ જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ ચિરાગ પરમાર, ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ ભૃગુરાજસિંહ, ગોપાલસિંહ, સાવજસિંહ ગોહિલ, અલ્પેશ પુરોહિત, આણંદ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અલ્પેશ પઢિયાર, વિદ્યાનગર શહેર સમિતિના પ્રમુખ ફકીરભાઈ મકવાણા વિગેરે હાજર રહ્યાં હતાં.
મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું
મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેપર લીક કૌભાંડ સામે કડક કાર્યવાહી કરવ માંગ ઉઠી હતી. જેમાં આવેદન પત્ર આપીને મુખ્ય સુત્રધારની પણ અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટેની ઉગ્રતાથી રજુઆત કરી હતી. આ ઉપરાંત કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા ધરણાની ચીમકી અપાય હતી. મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના કેટલાય બેરોજગાર યુવાનો સાથે થતા અન્યાયના વિરોધમાં ધરણાનો અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ લુણાવાડા ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હરજીવનભાઈ પટેલ, બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય જી.એમ.ડામોર, 2019 લુણાવાડા વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર અને મહીસાગર જિલ્લા ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ ગુલાબસિંહ ચૌહાણ, મહીસાગર જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ લતાબેન, માજી જિલ્લા પંચાયત સભ્ય મણીબેન ડામોર.
કાંતાબેન મહિલા કોંગ્રેસના હોદ્દેદારો, સેવાદળના હોદ્દેદારો, જિલ્લા તથા વિધાનસભાના યુથના હોદ્દેદારઓ, નગરપાલિકાના કોર્પોરેટર, સોશ્યલ મીડિયાના હોદ્દેદારો, તમામ તાલુકાના પ્રમુખઓ, વિવિધ સેલના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો હાજર રહી કલેક્ટર કચેરી ખાતે આર.ડી.સી અને આવેદન પત્ર આપ્યું હતું. આ પેપરલીકના મામલાની તપાસ થાયને તેમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધારની પણ અટક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે અને આવી ધટનાઓ રોકવા માટેની ઉગ્રતાથી રજુઆત કરી હતી.