સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થઈ હતી. આજે તા. 4 જાન્યુઆરી મેચનો બીજો દિવસ છે. આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 185 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ પણ 181 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે 4 રનની સામાન્ય લીડ મેળવી હતી.
હવે ભારતીય ટીમ તેની બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહી છે. રિષભ પંતે ટી-20 સ્ટાઈલમાં ફિફ્ટી ફટકારી છે. તે અંગત 61 રન પર આઉટ થયો છે. બીજા દિવસે પંતની તોફાની બેટિંગ આકર્ષણ જમાવ્યું હતું. દિવસના અંતે ભારતે 141 રન બનાવ્યા હતા. ભારતની 6 વિકેટ પડી છે. રવિન્દ્ર જાડેજા (8) અને વોંશિગ્ટન સુંદર (6) રને રમતમાં છે. લો સ્કોરિંગ મેચમાં ભારતે 145 રનની સારી લીડ મેળવી લીધી છે.
ભારતે બીજા દાવમાં મજબૂત શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં સ્ટાર્કની પહેલી જ ઓવરમાં 16 રન આપ્યા હતા. પરંતુ ભારતીય ટીમને પહેલો ફટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો હતો, જેને સ્કોટ બોલેન્ડે બોલ્ડ કર્યો હતો. રાહુલ અને યશસ્વી વચ્ચે પ્રથમ વિકેટ માટે 45 બોલમાં 42 રનની ભાગીદારી થઈ હતી.
રાહુલના આઉટ થયા બાદ યશસ્વી (22) પણ બોલેન્ડનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલી (6)નું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું અને તેણે ફરીથી બોલને ઓફ-સ્ટમ્પની બહાર જવાનું ચાલુ રાખ્યું. કોહલી બોલેન્ડના હાથે સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. શુભમન ગિલ પણ 13 રન બનાવીને બેઉ વેબસ્ટરના બોલ પર વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો.
78 રનમાં ચાર વિકેટ પડી ગયા બાદ રિષભ પંતે ભારતીય ઇનિંગની કમાન સંભાળી હતી. પંતે માત્ર 29 બોલમાં સિક્સર અને ફોર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તે અંગત 61 રનના સ્કોર પર આઉટ થયો હતો.
બુમરાહની ઈન્જરીએ ચિંતા વધારી
જસપ્રીત બુમરાહ હાલમાં આ મેચમાં મેદાનની બહાર છે. તે સ્કેન કરાવવા ગયો છે. ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહને શનિવારે (4 જાન્યુઆરી) બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઈજા થઈ હતી. તેની જગ્યાએ વિરાટ કોહલીએ કમાન સંભાળી છે.