Dakshin Gujarat

વાલિયાથી 5.8 કિ.મી.ના અંતરે આવેલું અને સંપીલું ગામ એટલે પણસોલી

વા લિયાથી 5.8 કિ.મી.ના અંતરે પણસોલી ગામ આવેલું છે. મૂળ તો બાજુમાં લગભગ 2 કિ.મી. દૂર કીમ નદીના કિનારે વસેલું પણસોલી ગામ ભલે નાનકડું હોવા છતાં પણ સંપીલું ગામ છે. આ ગામ માંડ 921 જેટલી વસતી ધરાવતું હોવાથી એકબીજા સાથે અતૂટ નાતો છે. આજે પણ પણસોલી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મહિલા બાગડોર સંભાળે છે. સાથે જ પણસોલી ગામમાં લગભગ 30 સભ્ય NRI છે. ખાસ કરીને વડવાઓએ અલગ ઓળખ બનાવી હોવાથી આજે પણ અન્ય વિસ્તારમાં પણસોલીનો પ્રભાવ પડતો હોય છે. પણસોલી ગામ સો ટકા શૌચાલય ધરાવતું ગામડું છે. ગામમાં 42 વિધવાઓ થતાં તમામને વિધવા પેન્શન મળે છે. ગામ હનુમાનજી મંદિર માટે ઘરેડ રોડને લાખોના ખર્ચે ડામરયુક્ત અને મંદિરમાં શ્રદ્ધાળુઓ આરામથી બેસી શકે એ માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ બનાવી આપ્યો છે. ગામની વિશેષતા છે કે, ભૂગર્ભમાં વોટર હાર્વેસ્ટિંગ માટે પ્લાનિંગ થઇ રહ્યું છે. અંકલેશ્વર GIDCની એશિયન પેઈન્ટના સહયોગથી નેત્રંગ આગાખાન દ્વારા ગ્રામ પંચાયત પણસોલી આધારિત પાણી અને આજીવિકા વૃદ્ધિ કાર્યક્રમ હેઠળ તળાવ પુન: સ્થાપન કામગીરી કરવામાં આવી છે. ફળકોઈ તળાવમાં વિશાળ તળાવને ઊંડું કરી અને પેરાફીટ પર પથ્થરોની પાળ બનાવી 25 ખેડૂતોની 123 એકર જમીનને સિંચાઈથી આવરી શકાય એ માટે 11,866 કિલો લીટર (KL) (0.42 મિલિયન ક્યુબિક ફીટ {MCFT}) પાણી અદ્યતન રીતે સંગ્રહ ક્ષમતા માટે તળાવ બનાવ્યું છે.

સરપંચ કાળીબેન વસાવા વિકાસ કામો માટે તત્પર
વાલિયા તાલુકાના પણસોલી ગામે વર્ષ-2022થી 39 વર્ષનાં મહિલા સરપંચ કાળીબેન સુરેશભાઈ વસાવા જવાબદારી સંભાળે છે. ગામડું ભલે નાનું હોય પણ પ્રશ્નો માટે જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે. કાળીબેન પહેલી વખત સરપંચ તરીકે ચુંટાયા ત્યારે સૌના પ્રશ્નો હલ કરવા માટે તત્પર રહ્યા છે. તેમનાં ત્રણ વર્ષના કાર્યકાળમાં મંદિર રોડ હોય કે નાળાં, બ્લોક, પ્રોટેક્શન વોલ, ગટર લાઈન, સમ્પ જેવા લાખો રૂપિયાનાં કામો કર્યાં છે. મહિલા સરપંચ કાળીબેન પટેલ કહે છે કે અમારું ગામ ખૂબ જ સંપીલું છે. ગામનાં નવાં વિકાસનાં કામો કરવા માટે હરહંમેશ તત્પર રહે છે.
ડેપ્યુટી સરપંચ હરેન્દ્રસિંહ ગોહિલ પણ સુપેરે કરે છે કામગીરી
વાલિયા-માંગરોળ રોડ પર પણસોલી ગામના પાદરે શિક્ષિત અને ડેપ્યુટી સરપંચ 65 વર્ષના હરેન્દ્રસિંહ દોલતસિંહ ગોહિલનું ઘર આવેલું છે. તેમને મળો તો શિક્ષક તરીકે રીટાયર્ડ જિંદગી પણસોલી ગામમાં વિનમ્ર સ્વભાવના મોઢે હસતો ચહેરો જોવા મળે. હરેન્દ્રસિંહ ગોહિલ પોતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વાલિયા તાલુકામાં લીધું. કોલેજકાળ ભરૂચની જે.પી.કોલેજ ગ્રેજ્યુએશન લીધા બાદ એક વર્ષ DPAD રાજપીપળા છોટુભાઈ પુરાણી કોલેજમાં લીધું. કોલેજ પૂરી કર્યા બાદ વર્ષ-1986માં એસ.પી.મદ્રેસા સ્કૂલ-માંગરોલમાં સતત ૩૩ વર્ષ ફિઝિકલ ટીચર તરીકે નોકરી કરી. વર્ષ-2019માં રીટાયર્ડ થતાં પણસોલીમાં સૌની સાથે સંકળાયેલા રહ્યા. વર્ષ-૨૦22માં ગ્રામ પંચાયતની ચૂંટણી આવતાં ગ્રામજનોના આગ્રહથી સભ્ય તરીકે ચુંટાઈ આવીને ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે જવાબદારી મળી હતી. હરેન્દ્રસિંહના મનમાં ગામમાં ઘણાં કામો કરીને અસરકારક બનાવવા માટે પ્રયાસ કર્યા. હજુ ઘણાં કામો કરવાના બાકી છે. ડેપ્યુટી સરપંચ હરેન્દ્રસિંહ ગોહિલ કહે છે કે, અમારું પણસોલી ગામ એક રાગીતાવાળું ગામડું છે. સાથે પણસોલી ગામ પણ આધ્યાત્મિકતાવાળું હોવાથી વિકાસનાં જે કામ લઈએ સૌ લોકોના સહયોગથી પાર પડી જાય છે.
80 વર્ષ જૂની પણસોલીની પ્રાથમિક શાળાનો ગુણોત્સવમાં ‘A++’ ગ્રેડ


ગુજરાત અને મહારાષ્ટ્ર ભેગું હોવાથી મુંબઈ દ્વિભાષી રાજ્યમાં પણસોલી ગામે તા.22મી જૂન-1954માં પ્રાથમિક શાળાની શુભ શરૂઆત થઇ. એ વખતે વાંસ અને લીપણના ખપેડામાં અક્ષર જ્ઞાન લેવા માંડ્યા હતા. એ સમયે ગામડાંમાં અજ્ઞાનતા વધારે હતી. લખાણ કરતાં મૌખિક જ્ઞાન વધારે હતું. પણસોલીમાં પ્રાથમિક શિક્ષણ લેતા ધીમે ધીમે ઈત્તર પ્રવૃત્તિમાં ડગ માંડવા માંડ્યા. મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું અને સમયાંતરે દિનપ્રતિદિન પ્રાથમિક શાળા ભલે ધો-1થી 5ની થઇ હોય, પણ આજે ગુણોત્સવમાં ‘A++’ ગ્રેડ આવ્યો છે. આ શાળામાં બે જણાનો સ્ટાફ હોવાથી બાળકો વિજ્ઞાનમેળામાં ભૂતકાળમાં જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આજે પણ આ શાળાના પાંચ વિદ્યાર્થીઓએ CAT એક્ઝામ આપતા ચાર વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા. જે બાળકો પાસ થાય તેને એકલવ્ય વિદ્યાલયમાં ભણવાનું ફ્રીમાં મળશે. જે બાળકોને ફાયદો થાય છે. આ સાથે શાળામાં કલ્ચરલ પ્રવૃત્તિ, યોગા દિવસ સહિત અન્ય પ્રવૃત્તિઓ કરાવતા વિદ્યાર્થીઓ ગળાડૂબ રહે છે. બાળકોને શૈક્ષણિક કિટ નજીકની ગોદરેજ કંપની દ્વારા આપવામાં આવતી હોય છે. ગામ નાનકડું હોવાથી શાળા ભવિષ્યમાં હજુ ખૂટતી વસ્તુઓ આગામી દિવસોમાં બનવાના સંજોગો છે. શાળાના પ્રિન્સિપાલે ભવિષ્ય માટે આગવી ભૂમિકા માટે તંત્ર રજૂઆતો કરી દીધી છે. શાળાના પ્રિન્સિપાલ વિરેન્દ્રસિંહ ચંદ્રસિંહ વાંસદિયા શાળા અંગે કહે છે કે, શાળામાં અભ્યાસ કરતાં નાનાં બાળકો ખૂબ જ હોંશિયાર અને ખૂબ જ આજ્ઞાંકિત હોય છે. બાળકોને શિક્ષણ સાથે બાહ્ય જ્ઞાન પણ વધારે હોય છે. જો યોગ્ય રસ્તો મળે તો દેશના શ્રેષ્ઠ નાગરિક બને એમ લાગે છે.

Most Popular

To Top