પંજાબના (Panjab) પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. આ સાથે તેમણે પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું (PLC) ભારતીય જનતા પાર્ટીમાં વિલિનીકરણ કર્યું. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે અમરિંદર સિંહને ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. આ પહેલા તેઓ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. ભાજપમાં જોડાયા બાદ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે હું વડાપ્રધાન અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરું છું.
- પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સોમવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
- તોમરે કહ્યું કે કેપ્ટન સાહેબની વિચારસરણી ભાજપ જેવી જ છે
- ભાજપમાં જોડાયા બાદ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે હું વડાપ્રધાન અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરું છું
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કેપ્ટને પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (PLC)નું બીજેપીમાં વિલિનીકરણ કરી દીધું છે. કેપ્ટન અમરિંદર સિંહ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કિરેન રિજિજુ, બીજેપી નેતા સુનીલ જાખડ અને બીજેપી પંજાબના વડા અશ્વિની શર્માની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. અમરિન્દર સિંહને પાર્ટીમાં સામેલ કરવા દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કેપ્ટન અમરિંદર અને તેમની પાર્ટીના કાર્યકરોનું ભાજપમાં સ્વાગત છે. પંજાબ સરહદી રાજ્ય છે તેથી દેશની સુરક્ષા માટે પંજાબમાં શાંતિ અને સુરક્ષા જરૂરી છે. તોમરે કહ્યું કે કેપ્ટન સાહેબની વિચારસરણી ભાજપ જેવી જ છે. સૌ પ્રથમ રાષ્ટ્ર અને પછી પક્ષ ભાજપની વિચારસરણી છે જેને કેપ્ટન સાહેબે હંમેશા અપનાવી હતી.
નરેન્દ્ર સિંહ તોમરે વધુમાં કહ્યું કે કેપ્ટન સાહેબનું ભાજપમાં આવવું એ સાબિતી છે કે તેઓ શાંતિના પક્ષમાં છે. પીએમ મોદી હંમેશા પંજાબ અને શીખ સમાજના સન્માન માટે સમર્પિત છે. કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેપ્ટન સાહેબ અને ટીમના આગમનથી ભાજપ વધુ મજબૂત થશે. દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે ભારત જેવા વિવિધતા ધરાવતા દેશ માટે સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પંજાબ જેવા સંવેદનશીલ રાજ્યને યોગ્ય લોકો દ્વારા ચલાવવામાં આવે તે જરૂરી છે.
કેપ્ટનને મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે
જાણકારોનું માનવું છે કે કેપ્ટન અમરિંદર સિંહને ભાજપમાં જોડાયા બાદ કેટલીક મહત્વની જવાબદારી મળી શકે છે. ભાજપ પંજાબમાં સંગઠનને મજબૂત કરવામાં વ્યસ્ત છે. થોડા દિવસોમાં પંજાબ ભાજપના પ્રદેશ પ્રમુખ કેપ્ટન અશ્વની શર્માનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. તેથી અમરિન્દરને પંજાબ ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવી શકે છે. સાથે જ કેપ્ટન સિવાય તેના સાથીઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
ગયા વર્ષે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું
કેપ્ટન અમરિંદર સિંહે ગયા વર્ષે કોંગ્રેસ છોડી દીધી હતી અને મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામું આપીને પીએલસીની રચના કરી હતી. પીએલસીએ ભાજપ અને સુખદેવ સિંહ ધીંડસાની આગેવાની હેઠળના શિરોમણિ અકાલી દળ (યુનાઇટેડ) સાથે જોડાણ કરીને વિધાનસભા ચૂંટણી લડી હતી. જો કે તેનો કોઈ ઉમેદવાર જીતી શક્યો ન હતો અને સિંહ પોતે પણ તેમના ગઢ પટિયાલા સિટી સીટ પરથી હાર્યા હતા.