ગઈ તા. 14 જાન્યુઆરીને મકર સંક્રાંતિની મોડી રાત્રે મોટા વરાછામાં એ. આર. મોલ પાસે આવેલા પેટ્રોલ પંપની નજીક પતરાંના શેડમાં ઓચિંતી આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક દોડી જઈ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગજનીમાં ટાયરની અને રમકડાંની દુકાન સહિત કુલ 4 દુકાનો બળીને ખાક થઈ હતી. કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર મોટા વરાછામાં એ.આર. મોલ નજીક આવેલા પેટ્રોલ પંપથી 20 ફૂટ દૂર પતરાંના શેડની કેટલીક દુકાનો આવેલી છે. અહીં મોડી રાત્રે એકાએક આગ લાગી હતી. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે. ટાયરના ગોડાઉનમાં આગ લાગી હોવાના લીધે વધુ વિકરાળ બની હતી. જોત જોતામાં બાજુમાં આવેલી રમકડાંની દુકાન સહિત અન્ય 3 દુકાનોમાં આગ ફેલાઈ હતી.
ઘટનાની જાણ થતાં સુરત ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 10 અલગ અલગ ફાયર સ્ટેશનથી 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ટાયર અને પ્લાસ્ટિકના રમકડાં હોવાથી આગ વધુ ફેલાઈ હતી અને ધુમાડાના ગોટે ગોટા ઉપરથી ઉઠતા હતા. આગ વધુ ભીષણ અને વિકરાળ લાગી રહી હતી. ફાયરના જવાનોએ માસ્ક પહેરીને પાણીનો મારો ચલાવ્યો હતો.
આગ નજીકના પેટ્રોલ પંપ સુધી ન પહોંચે તે માટે ફાયરના જવાનોએ ચારે તરફથી પાણીનો મારો ચલાવ્યો હતો. આગને વધુ પ્રસરતી અટકાવી દેવાઈ હતી. સંપૂર્ણ તકેદારી રાખી પાણીનો મારો ચલાવી ફાયરે આગ કાબુમાં લીધી હતી, જેના લીધે મોટી દુર્ઘટના ટળી હતી.