વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દીપડાએ દસ્તક દીધી છે.દીપડાના પંજાના નિશાન દેખતા હાલ ખાનગી સંસ્થા અને વનવિભાગ દ્વારા દીપડો હોવાની ખરાઈ કર્યા બાદ પાંજરું મૂકી દીપડાનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. તાજેતરમાં જ દીપડા રહેણાંક વિસ્તારોમાં આવી જઈ પશુઓ સહિત મનુષ્ય પર પણ હુમલો કર્યા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે.ત્યારે વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં પણ દીપડો દેખા દેતાં ભયનો માહોલ ઉભો થયો છે.
આ અંગે ખાનગી સંસ્થાના વન્યજીવ પ્રેમી હેમંત વઢવાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે દરજીપુરા એરફોર્સ માંથી વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં તમને ફોન આવ્યો હતો કે એક દિપડો દેખાયો છે એટલે તાત્કાલિક હું અને મારી ટીમના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા જ્યાં તપાસ કરતા દીપડાના પગના નિશાન અમને મળ્યા છે અને એની ખાતરી પણ થઈ ગઈ છે કે તે દીપડો જ છે અને તે દરજીપુરા એરફોર્સની અંદર જ છે. એરફોર્સના અમુક સંતરી ગાર્ડસ એમણે જોયો છે અને મેં પણ ખાતરી કરેલ છે કે એરફોર્સમાં દીપડો છે ત્યાંની કેનાલ જે છે અને તે જ માર્ગ ઉપરથી તે આવન જાવન કરે છે આ બાબતે અમે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી દીધી છે અને વન વિભાગ દ્વારા પણ એરફોર્સ સ્ટેશનમાં પાંજરું મુકવાની કાર્યવાહી કરી છે.
જ્યારે વડોદરા વનવિભાગના આર.એફ.ઓ કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દરજીપૂરા એરફોર્સમાં દીપડો હોવાની માહિતી મળતા જ વનવિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં દીપડો હોવાના વિવિધ પૂરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.સાથે જ દીપડા અંગે વધુ માહિતી મળી શકે તે માટે આસપાસ લગાવેલ સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે.અત્રે નોંધનીય બાબત છે કે વડોદરા શહેરી વિસ્તારમાં ઘણા વર્ષો પૂર્વે બે જુદાં જુદાં બનાવોમાં દીપડા આવી ગયા હોવાની ઘટના બની ચુકી છે.ત્યારે હવે દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દીપડો દેખાતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.