કોલેજ જવા નીકળેલી યુવતીઓ બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવતીઓ ઉધના વિસ્તારની સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી અને બંને બાળપણથી જ નજીકની સખીઓ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ પાસે થી મળતી માહિતી અનુસાર, 18 વર્ષીય રોશની શિરસાઠ અને 20 વર્ષીય જ્યોત્સના ચૌધરી શુક્રવારે સવારે નિયમ મુજબ કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી.પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ દરરોજ બપોરે લગભગ 12:30 વાગ્યે ઘરે પરત આવતી હતી,
આ વખતે લાંબો સમય વીતી જવા છતાં બંને ઘરે ન પહોંચતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. અનેક વખત ફોન કર્યા છતાં કોઈ જવાબ ન મળતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.આ દરમિયાન ટેકનિકલ લોકેશન તપાસતા બંને યુવતીઓનું છેલ્લું લોકેશન મંદિર નજીક હોવાનું સામે આવ્યું.
પરિવારજનો ત્યાં પહોંચ્યા ત્યારે મંદિર પરિસરમાં તેમની સ્કૂટી મળી આવી હતી. ત્યારબાદ મંદિરના CCTV ચેક કરતા સવારે બંને યુવતીઓ મંદિર પરિસરમાં પ્રવેશતી અને પછી બાથરૂમ તરફ જતી જોવા મળી હતી.પરિવારજનો અને પોલીસને બાથરૂમની અંદર લાઈટ ચાલુ જોવા મળતાં શંકા ગઈ. દરવાજો અંદરથી બંધ હોવાથી તેને તોડી અંદર પ્રવેશ કરતાં બંને યુવતીઓ બેભાન હાલતમાં મળી આવી હતી. તરત જ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી કેટલીક દવાની બોટલો અને સિરીંજ મળી આવી હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં મોબાઈલના ડિજિટલ રેકોર્ડમાં એવું પણ જાણવા મળ્યું કે યુવતીઓએ ઓનલાઇન પ્લેટફોર્મ પર આત્મહત્યા સંબંધિત માહિતી શોધવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે તપાસ વધુ ગંભીર બની છે.
સુરત પોલીસએ હાલ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને સમગ્ર ઘટનાના કારણો જાણવા માટે મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ મળેલા પદાર્થોની તપાસ માટે FSLની મદદ લેવામાં આવી રહી છે.
બંને યુવતીઓ બાળપણથી સાથે ભણેલી અને ખૂબ નજીકની મિત્ર હોવાના કારણે તેમના અચાનક મોતથી પરિવારજનો તથા ઓળખીતાઓમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ પોલીસ તમામ સંજોગો અને સંભવિત કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.