હેલ્થ કોન્શ્યસ લોકો શુગર ફ્રી જામ્બુ આઈસ્ક્રીમનો લઈ રહ્યા છે સ્વાદ
આઈસ્ક્રીમનું નામ સાંભળતા જ ઘણાં લોકોના મોઢામાં પાણી આવી જાય છે. નાનું બાળક હોય કે મોટેરા બધાં જ લોકો આઈસ્ક્રીમના દીવાના હોય છે. મૌસમ કોઈ પણ હોય આઈસ્ક્રીમ ખાવા માટે મન લલચાય જ છે. એમાં પણ સુરતીઓ તો ખાવાપીવાના શોખીન તો છે જ. સુરતીઓના સ્વાદ રસને પારખીને જ અવનવા આઈસ્ક્રીમ શહેરમાં મળતા થયા છે. આઈસ્ક્રીમના આવિષ્કારના ઇતિહાસ પર એક નજર ફેરવીએ તો તેનો ઇતિહાસ 4 હજાર વર્ષ જૂનો છે. સીંકદરના આદેશ પર કારીગરોએ 15 મોટા-મોટા ખાડા ખોદી ઊંચા શિખરો પરથી મુલાયમ, બરફ લાવી ભરી દીધા હતાં. જેથી, મહાન સિકંદર આ ઠંડી મીઠાઈને આરોગી શકે. રોમના શાસક નીરો બરફમાં ફળોનો રસ અને મધ મેળવી ઠંડી મીઠાઈ ખાતા. દુનિયાના પ્રથમ આઈસ્ક્રીમ પાર્લરની શરૂઆત 1776માં અમેરિકામાં થઈ હતી. સાઇકલ પર આઈસ્ક્રીમ વેચવાની શરૂઆત લંડનમાં 1923માં થઈ હતી. હાલમાં સુરતમાં વરસાદી મૌસમ જામી હોવાં છતાં અવનવા આઈસ્ક્રીમ જેમકે પાણીપુરી અને આંબલીના આઈસ્ક્રીમનો સ્વાદ સુરતીઓ લઈ રહ્યા છે.
હેલ્થ કોન્શ્યસ લોકોમાં જામ્બુનો શુગર ફ્રી આઈસ્ક્રીમ ફેવરીટ:
જેઓ હેલ્થ કોન્શ્યસ છે તેઓ જામ્બુના શુગર ફ્રી આઈસ્ક્રીમની મજા માણે છે. જેઓ ડાયાબિટીઝથી પીડાય છે તેઓ પણ આ શુગર ફ્રી જામ્બુ આઈસ્ક્રીમને માણવાની તક ઝડપી લે છે. જમરૂખ ચીલી આઈસ્ક્રીમ ખાતાં જ લોકો બાળપણના એ દિવસોને યાદ કરવા લાગી જાય છે જ્યારે જમરૂખ પર લાલ મરચી પાઉડર અને મીઠું લગાડીને ખાતા. ગ્વાવા ચીલી આઈસ્ક્રીમમાં કશ્મીરી લાલ મરચી પાઉડરનો ઉપયોગ થાય છે. જોકે, આ મરચી બહુ તીખી નથી હોતી. સુરતીઓ અદરક અને ગ્રીન ચીલીનો આઈસ્ક્રીમ પણ ટેસ્ટથી ખાય છે.
પાણીપુરી અને આંબલીનો આઈસ્ક્રીમ લેડીઝમાં ફેવરિટ
સુરતના અડાજણ અને વેસુ વિસ્તારમાં પાણીપુરી અને આંબલીનો મળતો આઈસ્ક્રીમ લેડીઝમાં ઓલટાઇમ ફેવરિટ બન્યો છે. આ આઈસ્ક્રીમ વોટર બેજ હોય છે અને તેમાં દૂધનો ઉપયોગ નથી થતો. જોકે, પાણીપુરી આઈસ્ક્રીમની પુરી એક-બે મિનિટમાં હવાઇ જવાની શક્યતા રહે છે. એટલે તેને જલ્દી ખાઈ લેવાનો રહે છે. આ આઈસ્ક્રીમ ખાધા બાદ એવુંજ લાગે કે જાણે કોલ્ડ પાણીપુરી અને આંબલીનો જ સ્વાદ લીધો હોય. તરબૂજના આઈસ્ક્રીમમાં પણ દૂધનો ઉપયોગ નથી થતો.
સોશ્યલ ફંકશનમાં જામ્બુ, જમરૂખ અને, આલ્ફોન્ઝો આઈસ્ક્રીમને પસંદ કરાય છે
હવે હેલ્થ પ્રત્યે સજાગ લોકો સુગર ફ્રી આઇસ્ક્રીમની ફળોના સ્વાદ સાથે લિજ્જત માણે છે. મોટા સોશ્યલ ફંકશન અને પાર્ટીઓમાં પણ તદ્દન અનોખા પ્રકારનો આઈસ્ક્રીમ પીરસાતો હોય છે. જેમકે, ગ્વાવા, ચીલી, આલ્ફોન્ઝો રોસ્ટેડ બદામ આઈસ્ક્રીમનો સ્વાદ સોશ્યલ ફંકશન અને પાર્ટી ઓર્ગેનાઇઝર મહેમાનોને ચખાડે છે.
લોકો પહેલા માનવા તૈયાર જ નહોતા કે આવા પ્રકારના આઇસ્ક્રીમ હોય શકે : ભાવિન પટેલ
સુરતના અેક આઇસ્ક્રીમ પાર્લરના સંચાલક ભાવિન પટેલનું કહેવું છે કે આ ફ્લેવરના આઈસ્ક્રીમ જ્યારે આઈસ્ક્રીમના સ્વાદ રસિયાઓ સમક્ષ મુકવામાં આવ્યો ત્યારે સ્વાદ રસિકો આંબલી અને પાણીપુરીનો આઈસ્ક્રીમ હોય શકે તે બિલિવ કરવા જ તૈયાર નહીં હતા. જ્યારે ટેસ્ટ કરાવવામાં આવ્યો ત્યારે તેમને બિલિવ થયું કે આવા આઈસ્ક્રીમ પણ બની શકે. અને પછી આ આઈસ્ક્રીમના સ્વાદને માણવા લોકો આવતા થયા અને સારો રિસ્પોન્સ લોકો પાસેથી મળી રહ્યો છે. પાણીપુરી આઇસ્ક્રીમ મુંબઇ ચાટથી ઇન્સપાયર થઇને બનાવવામાં આવ્યો છે. સુરતની લેડીઝને પાણીપુરી આઇસ્ક્રીમ ખૂબજ પસંદ આવી રહ્યો છે.