સુરત (Surat): પાંડેસરાની (Pandesara) એક મિલમાં (TextileMill) અચાનક ભીષણ આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થયા બાદ ફાયર વિભાગના 6 સ્ટેશનની 10થી વધુ ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ઘટના પાંડેસરાની પરાગ મિલમાં બની છે. જેનું નામ હાલ બદલીને તરાના કરવામાં આવ્યું છે. ભીષણ આગ બાદ મજૂરો-કારીગરો દોડીને બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી. આગને કંટ્રોલ કરવા માટે ચારેય બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. હાલ આગ કાબુમાં હોય એમ કહી શકાય છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, તરાના મિલની આગમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતાં. જેથી ભયનો માહોલ સર્જાયો હતો. ચાલુ મિલમાં આગ લાગતા નાસભાગને લઈ કારીગરોમાં ડર નો માહોલ ઉભો થયો હતો. આજુબાજુના લોકો પણ આગ જોવા દોડી આવતાં ટ્રાફિક સર્જાયો હતો. જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવવાની ફરજ પડી હતી.