સુરત : (Surat) પાંડેસરામાં સ્નાન મહિલાને (Women) જોઇ રહેલા યુવકને ઠપકો આપનારની સાથે અદાવત રાખીને તેને ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. બપોરે થયેલી માથાકૂટ બાદ સાંજે હત્યા થતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
- મૂળ ઉત્તરપ્રદેશના અને સુરતના પાંડેસરાના વડોદ ગામમાં રહેતા સાલુ વર્માની હત્યા
- સાલુ અને નજીકમાં રહેતા સોમનાથ ગુપ્તા વચ્ચે મહિલાને ન્હાતી જોવા મામલે માથાકૂટ થઈ હતી
- બપોરે ઝઘડો થયા બાદ તેની અદાવત રાખીને સાંજે હત્યા કરાતા આરોપીની ધરપકડ
પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા વડોદ ગામમાં જગન્નાથ સોસાયટીમાં રહેતો મૂળ ઉત્તરદેશનો વતની શિવબાલક રામકિશુન વર્મા નોકરી કરી વતનમાં પરિવારને આર્થિક મદદ કરે છે. શિવબાલક અન્ય રૂમ પાર્ટનર સાલુ ક્રિષ્નાપાલ વર્માની સાથે રહેતો હતો. દરમિયાન સાલુ સોસાયટીમાંથી નીકળ્યો ત્યારે નજીકમાં રહેતા સોમનાથ ગુપ્તા અને એક મહિલા વચ્ચે ઝઘડો થયો હતો. સાલુએ સોમનાથની પૂછપરછ કરી હતી. તેમાં મહિલાએ કહ્યુ કે ‘હું સ્નાન કરતી હતી ત્યારે આ સોમનાથ મને જોઇ રહ્યો હતો’. જે પગલે સાલુએ સોમનાથ પાસે જઇને ઠપકો આપ્યો હતો કે, આવી રીતે શા માટે મહિલાને ન્હાતી જોય છે..? આ વાતને લઇને સાલુ અને સોમનાથની વચ્ચે માથાકૂટ થઇ હતી. બપોરે થયેલી માથાકૂટને લઇને સોમનાથે અદાવત રાખી હતી અને સાંજના સમયે સાલુને ઘર પાસે બોલાવીને ચપ્પુના ઘા વડે હુમલો કરી દીધો હતો. સોમનાથે સાલુને ગળા તેમજ પેટના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાંખી હતી. બનાવ અંગે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને સોમનાથની ધરપકડ કરી હોવાની વિગતો મળી છે.
મોબાઇલમાં વાત કરતા વિદ્યાર્થીને ગળે ચપ્પુ મારી મોબાઇલ લૂંટી લેવાયો
સુરત : પાંડેસરા વિસ્તારમાં ક્રાઇમ રેટમાં સતત વધારો થઇ રહ્યો છે, બે દિવસ પહેલા જ મારામારી ઉપરાંત આજે એક હત્યાનો બનાવ બન્યો હતો. ત્યાં બે અજાણ્યા યુવકોએ મોબાઇલમાં વાત કરતા વિદ્યાર્થીના ગળે ચપ્પુ જેવું તિક્ષ્ણ હથિયાર મારીને તેના હાથમાંથી મોબાઇલ ઝૂંટી ફરાર થઇ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, પાંડેસરા વિસ્તારમાં આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતો 23 વર્ષિય સંદીપરામ સિરોમન પાલ ડી-માર્ટ મોલમાં કામ કરી ઘરમાં પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ રહ્યો છે. વધુમાં તેને ભણવાની ઈચ્છા હોવાથી કોમ્યુટર ક્લાસમાં જઈ રહ્યો હતો. આજે સંદીપરામ કોમ્યુટર ક્લાસમાં જવા માટે ઘરની બહાર જ નીકળ્યો હતો, એ સમયે સંદીપ મોબાઈલમાં વાત કરી રહ્યો હતો ત્યારે બે અજાણ્યા ઈસમોએ તેનો મોબાઈલ છીનવી કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી નાંખ્યું હતું. સંદિપ ઘર પાસે જ હોવાથી સોસાયટીમાં જ હોવાથી તે તાત્કાલીક ઘરે આવ્યો હતો. પાડોશીઓએ સંદિપને 108 મારફતે તાત્કાલીક નવી સિવિલ હોસ્પિ.માં લઇ આવતા ડોક્ટરોએ સારવાર કરીને દાખલ કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક ચપ્પુ પણ મળી આવ્યું હતું.