રાજ્યમાં પંચાયતો મિનિ સચિવાલય બને તેવા આઠ જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ કરાયું છે એટલું જ નહીં તેનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પંચાયત મિનિ સચિવાલય બને તેવી ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે ગામડાં તાલુકા અને જિલ્લા કક્ષાએ અત્યાધુનિક, સુવિધાસભર પંચાયત ભવનોનું નિર્માણ કર્યું છે.
મુખ્યમંત્રીએ મોરબીમાં રૂ. ૨૭.૪૬ કરોડના ખર્ચે નિર્મિત જિલ્લા પંચાયત ભવનનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યુ હતું. રૂપાણીએ કહ્યું હતું કે, જિલ્લા પંચાયતો સહિત સરકારી કચેરીઓના ભવનો સુવિધાસભર હોય અને કોર્પોરેટ બિલ્ડિંગો કરતાં પણ રાજ્ય સરકારની કચેરીઓના ભવનો આધુનિક હોય એ દિશામાં ગુજરાત મોડેલ સ્ટેટ બની રહ્યું છે.
રાજ્ય સરકાર આ માટે જે તે જિલ્લા પ્રશાસનને અનુદાન આપે છે. અત્યાર સુધીમાં અમરેલી, અરવલ્લી, બોટાદ, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર, ગીરસોમનાથ અને મોરબી જિલ્લા પંચાયતોના નૂતન ભવન નિર્માણ થઈ ગયાં છે જ્યારે સુરત, સુરેન્દ્રનગર, પંચમહાલ, ડાંગ અને ખેડા જિલ્લા પંચાયત ભવનોનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. અત્યારે ગુજરાતમાં ૯૨ તાલુકા પંચાયતોના નવા ભવનોનું નિર્માણ થઈ ગયું છે અને ૨,૨૨૭ ગ્રામપંચાયતોના નવા ભવનો બંધાયા છે જ્યારે ૧,૦૦૭ ગ્રામ પંચાયતોના નવા ભવનોના નિર્માણની કામગીરી પ્રગતિમાં છે.