Comments

ગુજરાતના મધ્ય ભાગે પાંચાળ પ્રદેશ પહેલ પાડ્યા વિનાનો હીરો છે

ઉત્સવપ્રિય પાંચાલ એક જમાનામાં પશુપાલન માટે જાણીતો પ્રદેશ હતો. ખાખરાનાં વન અને લીલાંછમ ઘાસથી ઢંકાયેલ પાંચાલ પ્રદેશ પૌરાણિક સમયથી ગૌરવવંતો રહ્યો છે. પરંતુ આજે પાંચાલની ધરતીનો માયાળુ માનવી ઘસાઈ ગયો છે. પાંચાલને ગરીબીએ કોરી ખાધો છે. ખેતી સૂકી ભઠ થઇ પડી છે અને ખનિજ વેડફાઈ રહ્યું છે. કારીગરો કામ વિના અને પશુપાલકો ઘાસચારાના અભાવે સ્થળાંતર કરી રહ્યા છે.

ગુજરાત રાજ્યના મધ્ય ભાગે પ્રાચીન યુગથી અસ્તિત્વ ધરાવતો પાંચાલ ભૂતળ, હવામાન, ખેતીના પ્રકારથી માંડીને સાંસ્કૃતિક રીતે મહદ્ અંશે સમરૂપતા ધરાવે છે. પાંચાલમાં આર્થિક પછાતપણું જો કે લગભગ સરખી સ્થિતિમાં જોવા મળે છે, જે જોગાનુજોગ છે. એક સમયે પાંચાલ વિસ્તારમાં પાણીનો તોટો નહોતો. દશ-પંદર ફૂટે તો મીઠું પાણી નીકળતું, ઉનાળામાં આખોયે તાલુકો કેસૂડાનાં ફૂલોથી દીપી ઊઠતો. પાંચાલની આ શોભા અને ઓળખ હતી. ભૂતળ લિગ્નાઇટ, સિલિકા અને ક્યાંક ગ્રેનાઇટ પ્રકારના પથ્થરોથી સમૃદ્ધ છતાં પાંચાળમાં ગરીબીની ભરમાર જોતાં થાય કે આમ કેમ!!!

ઉપાય તરીકે પ્રદેશના વિકાસ માટે વેલ્યુ એડિશન કરેલ કૃષિ ઉદ્યોગો બ્રૉડગેજ લાઇન ઉપર રેલવેની પૂરતી સુવિધા તથા પૂરતા પ્રમાણમાં પાવરની પૂર્તિ કરવામાં આવે તે આવશ્યક છે. ચિનાઈ માટી, સફેદ અને કાળો પત્થર, કોલસો, વગેરેનો જથ્થો વિપુલ પ્રમાણમાં છે, જે આધારિત ઉદ્યોગો વિકસાવવા જોઈએ. આથી સ્થાનિક લોકો માટે રોજગારીની તકો વિકસશે. થાનગઢ અને બામણબોર જેવાં એકાદ બે સ્થળે ઉદ્યોગોના ખડકલા થાય તેના બદલે દર પાંચ કિલોમિટરની ત્રિજ્યામાં એકાદ-બે મોટા ઉદ્યોગો વિકસે. નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અપાય તો પોટરી ઉદ્યોગ તેમજ સિલિકાના પથ્થરને ભાંગવાના ભરડિયા (કવોરી) વિકેન્દ્રિત રીતે વિસ્તરશે.

પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ માટે વિસ્તારમાં જે બિનઉપયોગી કૂવાઓ પડેલા છે તેમને રિચાર્જ કરવામાં આવે, નદી-નાળાં વચ્ચે બંધારો કરી પાણી જમીનમાં ઉતારવા માટે કોઈ દાતા આગળ આવે તો તેને ઇન્કમ ટેકસમાંથી મુક્તિ મળે તેવી જોગવાઈ પણ થવી જોઇએ. પાંચાલના પર્યાવરણની જાળવણી માટે ધાર્મિક સંસ્થાઓ ગ્રામ પંચાયતોને ઓછા વ્યાજની લોન આપે અને સરકાર પ૦ ટકા સુધીની સબસિડી આપે તો પાંચાલ ખીલી ઊઠે. આ વિસ્તાર ખડકાળ છે, જ્યાં બંધારા બાંધવાથી ઓછા ખર્ચે પાણીનો સંગ્રહ થશે અને પર્ફોલેશન દ્વારા નદી-કૂવાનાં તળ ઊંચાં આવશે. ચોટીલાથી થાનગઢના રસ્તામાં બે કિલોમીટરના અંતરે બે મોટી ખાલી ખાણો આવેલ છે, જેમાં વરસાદી પાણી સંગ્રહ થાય છે, પરંતુ આ બંને ખાણોને જોડવામાં આવે તો સાયલા-ચોટીલા વિસ્તારને લગભગ એક વર્ષ ચાલે તેટલા પાણીનો સંગ્રહ શક્ય બની શકે તેમ છે.

પાંચાલ પ્રદેશનું ભીમોરા તેના ગઢના કાંગરે અજય હતું. પરંતુ આજે ખંડિયેર હાલતમાં પડયું છે. પાંચાલમાં પશુઓની સંખ્યા વધુ છે અને તેના ઉપર નિભાવ કરતાં માલધારી ગરીબી વચ્ચે પોતાનાં ઢોર બચાવવા છેક નાગપુર સુધી સ્થળાંતર કરે છે. વનવિભાગે આ જ ક્ષેત્રની ૫૦,૦૦૦ હેકટર જમીન ઘાસ- જંગલ માટે અનામત રાખી છે. જો કે જમીનના અસરકારક ઉપયોગ માટે ઘાસથી ભરપૂર વીડીઓ માલધારીઓને સોંપવામાં આવી નથી આથી દૂધ ઉત્પાદન અને વિકાસ શક્ય બનતો નથી. પાંચાલ વિસ્તારમાં કૂવાઓમાં પાણી નીકળે છે, જેને સોલાર વીજળીથી જોડવામાં આવે તો ખેત-ઉત્પાદનમાં ૨.૫ થી ૩ ગણો વધારો થશે. ગરીબીની સમસ્યા બધે સમાન રહે છે અને વ્યક્તિલક્ષી લાભો આપવાથી સમાજ બેઠો થતો નથી. ઔદ્યોગિક વિકાસ થવાથી ક્ષેત્રનો વિકાસ થઈ જાય છે તે માન્યતા પણ ભૂલભરેલી છે.

આજે ગુજરાતનો પૂર્વ પટ્ટીનો ડુંગરાળ વિસ્તાર રાજ્યના ઔદ્યોગિક રીતે વિકસિત વિસ્તારની લગોલગ હોવા છતાં આદિવાસી રોજીરોટી માટે છેક કચ્છ સુધી સ્થળાંતર કરે છે. આ સ્થિતિ દર્શાવે છે કે ગરીબોના પ્રશ્નો કોઈ એકાદ વ્યક્તિથી કે કામચલાઉ રાહતથી ઉકેલી શકાય તેમ નથી. આમ છતાં હૈયાસૂઝ ધરાવતી પાંચાલની પ્રજા પોતીકા વિકાસ અંગે જાગ્રત છે, ત્યારે થાનગઢના વિસ્તારમાં આશ્રમશાળાઓ ખોલવી, બાળલગ્ન પ્રતિરોધ જાગૃતિ કેળવવી જરૂરી બને છે. આરોગ્ય સવલત સંબંધે પાંચાલ વિસ્તારમાં આંખ, કાન અને હાડકાંની સારવારની સગવડ નથી. ગરીબીવશાત્ લોકો પાસે સારવાર માટે રાજકોટ કે સુરેન્દ્રનગર જેવાં શહેરોમાં જવા માટે પૈસા હોતા નથી. આથી ફરતાં દવાખાનાં શરૂ થાય તે વધુ જરૂરી છે.

અહીં નાગરિકો જૂના રીતરિવાજોને વગળી રહીને લગ્ન-મરણ પ્રસંગોએ જમીન, વાડી વેચીને પણ ખર્ચ કરતા હોય છે. આ માટે શિક્ષણ સંસ્થાની સ્થાપના જરૂરી છે. પાંચાલ જેવા કઠણ પ્રદેશમાં એકીસાથે સમગ્ર રીતે વિકાસ કરી નાંખવાનું કામ અઘરું છે. આથી નાનાં નાનાં ગામડાંઓનાં જૂથ(કલસ્ટર) બનાવીને ત્યાં સઘન કામગીરી કરવામાં આવે તો કામ દેખાશે. પાંચાલની ધરા ઉપર દક્ષિણ પશ્ચિમનો પવન ફૂંકાય છે.

આ પવન જમીનની સપાટીનાં ફળદ્રુપ તત્ત્વો ઉડાડીને લઈ જાય છે. આ સામે જમીનને રક્ષણ આપવા માટે ખેતરના શેઢે વૃક્ષો વાવવામાં આવે અને જંગલ વિસ્તારમાં ઘાસ ઉગાડવામાં આવે તો દૂધ-ઉત્પાદન અને પશુસંવર્ધન પર સારી અસર પહોંચશે અને સ્થળાંતર ઘટશે. ચોટીલામાં પ્રવાસના વિકાસની સારી એવી શક્યતા છે. થાન નજીક જામવાળા ગામથી શરૂ કરીને વાંકાનેર બાઉન્ડ્રી સુધીનો વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. તરણેતરનો મેળો જગપ્રસિદ્ધ છે.

આવો જ કાંઠાનો વિસ્તાર છે જ્યાં ઘુડખર વાઇલ્ડ લાઇફ સૅન્કયુઅરનું અનેરું આકર્ષણ પણ છે. આ સ્થળે સારાં વિશ્રામગૃહો હોય, ખાણીપીણીની સુવિધા હોય તેમજ હસ્તઉદ્યોગોની બનાવટોની વેચાણવ્યવસ્થા હોય એ આવશ્યક છે. પંચાલ વિસ્તાર ગૃહઉદ્યોગમાં પણ આગવું સ્થાન ધરાવે છે. વણાટકામ, ભરતગૂંથણ, બાંધણી અને ચર્મોદ્યોગ વગેરે જાણીતાં છે. આ માટે યોગ્ય કાચો માલ, આધુનિક સાધનો અને વેચાણની કડી ગોઠવવી જોઈએ. હસ્તકલાકારીગરી માટે કલાકારોને પ્રોત્સાહન મળી રહે તે માટે મહિલા વિકાસ સંસ્થા ઊભી કરી કલાના કસબને વિકસાવવો જોઈએ. સાયલા- ચોટીલા વિસ્તારમાં કાઠી અને ભરવાડ કોમની બહેનો ભરતગૂંથણ તેમજ મોતીકામમાં માહેર છે.

તેમને માર્કેટ પૂરું પાડવું જોઈએ. પંચાલની ભૂમિ અશ્વભૂમિ છે. આથી ઘોડાઉછેરની પ્રવૃત્તિને પણ વેગ મળી શકે તેવી સંભાવનાઓ ભરી પડી છે. ગુજરાતના મધ્ય ભાગે પાંચાલ પ્રદેશ પહેલ પાડ્યા વિનાના હીરા જેવો સમૃદ્ધ છે. તેનાં કામઢાં લોકો ટૂંકી ખેતી અને ઢોરઢાંખરના ટેકે પરિશ્રમભર્યું જીવન ગુજારે છે. પ્રાકૃતિક આફતો પાંચાલને વેરવિખેર કરી નાંખે છે. ત્યારે વિકસતું ગુજરાત ઉદ્યોગોના સહારે કંકુવર્ણી ભોમકાનો હાથ પકડે તો કેસુડાંનો રંગ આમ લોકોના જીવનમાં ચડતો દેખાશે.
ડો.નાનક ભટ્ટ – – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top