Business

એનઆરઆઈઓને કારણે વખણાતું અને વિકાસ તરફ પ્રગતિ કરતું ખેરગામ તાલુકાનું ગામ પણંજ

ચારે તરફ લીલોતરી અને એનઆરઆઈઓને કારણે જાણીતું ગામ એટલે ખેરગામ તાલુકાનું પણંજ. આ ગામ ખેરગામ તાલુકા મથકથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ગામના મહેનતુ લોકો અને વડીલોની કોઠાસૂઝને કારણે ગામ વિકાસની પ્રગતિ તરફ આગળ ધપી રહ્યું છે. એમાં એનઆરઆઈનો પણ ઉમદા ફાળો છે. ગામના વિકાસની વાત આવે તો વિદેશમાં વસેલા અહીંના લોકો ઉદાર હાથે ફાળો આપે છે. મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા આ ગામની ફુલ વસ્તી ૧૨૨૦ છે. જેમાં સ્ત્રીની સંખ્યા ૬૦૪ અને પુરુષની સંખ્યા 616 છે. અહીં ધોડિયા પટેલ, હળપતિ, કુંભાર, પાટીદાર, મોચી, આહીર, મહાર નાયકા પટેલ સમાજની વસ્તી જોવા મળે છે. અહીંના લોકો એકસંપ થઈને રહે છે. જેને કારણે ગામની પણ પ્રગતિ થઈ રહી છે. નાના-મોટા કોઈપણ પ્રસંગ હોય આ ગામ સામાજિક એકરસતાની મિશાલ પૂરી પાડે છે. આ ગામમાં કુલ છ ફળિયાં આવેલાં છે, જેમા મોટી કોલવાડ, નાની કોલવાડ, કુંભારવાડ, કણબીવાડ, નવાનગર અને હળપતિવાસનો સમાવેશ થાય છે.

ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય


પણંજ ગામમાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ગામ આર્થિક રીતે સધ્ધર હોવાથી બોરિંગ અને કૂવાની સુવિધા ઉપલબ્ધ છે. સાથે ગામમાંથી એક નહેર પણ પસાર થાય છે. જેને કારણે ખેતીને સિંચાઈનો લાભ મળે છે. આ ગામમાં મહત્તમ આંબાવાડીઓ ગામમાં પ્રવેશ કરતાની સાથે જ તમને જોવા મળે છે. એ સિવાય ગામમાં ડાંગર, શેરડી, શાકભાજીની ખેતી થાય છે. જો કે, હવે તો પ્રગતિશીલ ખેડૂતોને કારણે ડ્રેગન ફ્રૂટની ખેતી પણ થવા લાગી છે.
ગામના ૯૦ ટકા લોકો સાક્ષર
આ ગામમાં બે પ્રાથમિક શાળા અને બે આંગણવાડીઓ આવેલી છે. જ્યારે માધ્યમિક શિક્ષણ માટે વાડ, ખેરગામ, રૂમલા અને પાણીખડક સહિત અન્ય વિસ્તારો ઉપર આધાર રાખવો પડે છે. વર્ષોથી આ ગામના લોકોએ શિક્ષણને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. જેને કારણે 90 ટકા ગામ સાક્ષર જોવા મળે છે. અહીંથી ભણીગણીને કેટલાય યુવાનો શિક્ષક અને તલાટી સહિતના ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચ્યા છે. ઉપરાંત અહીંના કેટલાક યુવાનો વિદેશ પણ સ્થાયી થયા છે. જે ગામ માટે ગૌરવની વાત કહી શકાય.
ટીકીના વ્યવસાય થકી હળપતિ બહેનો આર્થિક પગભર


લગ્ન પ્રસંગોમાં મળતા મોંઘાદાટ ચણિયા-ચોળી જેવા પોશાક બનાવવા માટે કેટલી મહેનત થાય છે. વસ્ત્રો તો મશીનરી ઉપર તૈયાર થઈ જાય છે પરંતુ એની પાછળ કુશળ કારીગરોની મહેનત પણ એટલી જ હોય છે. પણંજ ગામમાં પ્રવેશ કરતાની સાથે જ હળપતિવાસ મહોલ્લો આવેલો છે. જ્યાં બહેનોએ પૂરક વ્યવસાય તરીકે ટીકી ભરવાનું કામ શરૂ કર્યું છે. આ કામ ખૂબ જ મહેનત માંગી લે છે. છતાં પણ આ કામ થકી આર્થિક ઉપાર્જન કરી તેઓ પરિવારને મદદ કરે છે.
ગામની સુરક્ષા માટે સીસીટીવીની સુવિધા
વર્ષો પહેલા ચોરી લૂંટફાટનો લોકોને કડવો અનુભવ થતો હતો. પરંતુ તે સમયે અલગ અલગ સમાજના લોકોનો વસવાટ કરાવવામાં આવ્યો હતો. આમ અલગ અલગ સમાજના લોકો વસતા જ ગામનો વિકાસ થયો. ત્યારે ગામ વધુ સુરક્ષિત કેમ રહે એ માટે આ ગામે ટેક્નોલોજીનો સહારો લીધો, અને ગામના પ્રવેશદ્વારે એનઆરઆઈઓના સહકારથી ગામને સીસીટીવી સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે.
પણંજ ગામનું નામ કઈ રીતે પડ્યું
આ ગામ ધરમપુર રાજાના સમયમાં વસાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં પાટીદાર પટેલ સમાજ અને દેસાઈ સમાજના લોકો આવ્યા હતા. પછી વાળંદ, લુહાર અને એક કુંભાર પરિવારને વસાવવામાં આવ્યા હતા. જે-તે જાતિ જે કામ કરે તે પ્રમાણે અહીં લોકોનો વસવાટ કરાવાયો હતો. પીંઢારાના સમયમાં લૂંટફાટ થતી હતી. એ સમયે નવસારીથી એક ફેમિલી અહીં આવીને વસ્યું હતું. કુંભાર પરિવારનું એક ફેમિલી આવ્યું ને આખું ફળિયું બન્યું. કણબી પટેલ સમાજના લોકો બારડોલીથી આવી અહીં વસ્યા હતા. સંસ્કૃતમાં પ્રણજ શબ્દમાંથી અપભ્રંશ થઈ ગામનું નામ પણંજ પડ્યું હતું. વિકાસ તરફ ડગ માંડી રહેલું આ ગામ સમરસ પણ બની ચૂક્યું છે.

Most Popular

To Top