પલસાણા: પલસાણાના (Palsana) કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હાલ વેક્સિનેશનના કેમ્પો યોજી રસીકરણની (Vaccintion) કામગીરીમાં પક્ષપાત અને પ્રાંતવાદની રાજનીતિ રમાતાં તેમની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને તેઓ વર્ગવિગ્રહ કરતાં હોવાનો આક્ષેપ પલસાણા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પલસાણા તાલુકાનાં અન્ય પીએચસીમાં (PHC) વેક્સિનેશન કેમ્પની કામગીરી ઘણી શાંતિમય અને વિવાદ વગર ચાલી રહી છે. પરંતુ કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્ત ચાલતા કેમ્પમાં પક્ષાપક્ષી હોવાનું લોકો કહી રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓની જગ્યાએ ચોક્કસ રાજકીય પક્ષના માણસો કહે તેઓને જ કૂપન તેમજ તેમના કહેવાથી રસી વહાલાદવલાની નીતિથી મૂકવામાં આવી રહી હોવાની ચર્ચા જોવા મળે છે.
શનિવારના રોજ કણાવ પીએચસી દ્વારા પલસાણા સદગુરુ કોલોની ખાતે આવેલી આંગણવાડીમાં રસીનો કેમ્પ રાખ્યો હતો. ત્યાં કેટલાક નજીકમાં રહેતા અને ચા લારી ચલાવતા પરપ્રાંતિયો રસી મુકાવવા માટે ગયા તો તેમને પરપ્રાંતિયો માટે આ રસી નથી તેમ કહી કાઢી મૂક્યા હતા તેવામાં એક ચાની લારી ચલાવતા રાજસ્થાની યુવક દ્વારા પીએચસીના કર્મચારી અને કેટલાક બની બેઠેલા રાજકીય વ્યક્તિઓને મને લેખિતમાં લખી આપો કે, આ રસી પરપ્રાંતના લોકો માટે નથી. માત્ર હળપતિભાઈઓ માટે જ આવી છે તેવું લેખિત માંગતાં આ વ્યક્તિને રસી મૂકવાની પીએચસીના કર્મચારીઓને ફરજ પડી હતી.
અગાઉ પણ પલસાણામાં કેમ્પ યોજાયા તેમાં પક્ષપાતનું વલણ જોવા મળ્યું હોવાની ચર્ચા પણ પલસાણામાં જોવા મળી હતી. કણાવ પીએચસી દ્વારા હાલમાં એમના તાબા હેઠળ આવતાં ગામોમાં કયા ગામે કેટલા કેમ્પ રાખ્યા અને વધુ ગીચ વસતી ધરાવતા પરપ્રાંત એરિયામાં શા માટે કેમ્પ યોજવામાં આવ્યા નથી તે એક મોટો પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે. હાલ કણાવ પીએચસીની કામગીરીથી હળપતિભાઈઓ અને પરપ્રાંતિય ભાઈઓમાં વર્ગવિગ્રહ થાય એ રીતનું વલણ દેખાઈ રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં રસીને લઈને પલસાણામાં પ્રાંતવાદને લઈ બબાલ ઊભી થાય તો નવાઈ નહીં.
ઉપરથી સૂચના અપાઈ છે: ડો.મધુ ઇજામોરે
આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો.મધુ ઇજામોરેએ જણાવ્યું હતું કે, અમને રસીકરણ માટે સ્થાનિકો અને ખાસ હળપતિઓને રસી મૂકવા માટે ઉપરથી સૂચના અપાઈ છે. માટે હળપતિવાસમાં જઇ કેમ્પો કરી રહ્યા છીએ.