પલસાણા: (Palsana) તાંતીથૈયામાં (Tantithaya) યુવકના (young man) ઘરે મળવા આવેલી પ્રેમિકાને લોકો જોઈ જતાં લોકોએ બંનેને ધમકાવ્યાં હતાં અને સગીરાની માતાને જાણ કરી હતી. સગીરાની માતા આવી દીકરીને યુવકના ઘરેથી લઈ ગયા બાદ એકલા રહેલા યુવકને આસપાસના લોકો ધમકાવવા જતાં ગભરાયેલા યુવકે બચવા માટે ત્રીજા માળેથી (Thard Floor) નીચે કૂદકો (Jump) મારતાં ગંભીર રીતે ઘવાયેલો યુવક મોતને (Death) ભેટ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના તાંતીથૈયા ગામે શ્યામ પેલેસમાં રહેતો રોહિત રાકેશ રાજપૂત (ઉં.વ.18) મિલમાં નોકરી કરી પોતાના પરિવાર સાથે રહેતો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રવિવારે મોડી સાંજે રોહિતના ઘરે તેની સગીર પ્રેમિકા મળવા આવી હતી. જે બંનેને આસપાસના લોકો જોઈ જતાં લોકટોળું એકઠું થઈ ગયું હતું. જેથી બંને ડરી ગયાં હતાં. લોકટોળાએ સગીરાની માતાને ફોન કરી જાણ કરતાં સગીરાની માતા પોતાની દીકરીને લઈ ગઈ હતી.
બિલ્ડિંગના ત્રીજા માળેથી નીચે કૂદી બચવાનો પ્રયાસ કર્યો
જે બાદ લોકોએ યુવકને ધમકાવતાં ડરી ગયેલા રોહિત રાજપૂતે પોતાના રૂમમાં બંધ થઈ રસોડામાંથી બિલ્ડિંગના ત્રીજા માળેથી નીચે કૂદી બચવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેને તત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો. આ ઘટના અંગે કડોદરા પોલીસે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
તાંતીથૈયામાં રિક્ષાચાલકે ટક્કર મારતાં રાહદારીનું મોત
પલસાણા: મૂળ બિહારના સીતામઢીના અને હાલ પલસાણાના તાંતીથૈયાના સાંઈરામ કોમ્પ્લેક્સના મકાન નં.3માં રહેતા સામદેવ ખૈહરુ માહતો (ઉં.વ.40) મોડી સાંજે મિલમાંથી છૂટી પગપાળા પોતાના ઘરે ગઈ રહ્યો હતો. જે દરમિયાન તેમના પાછળથી બેફામ પૂરઝડપે આવતી ઓટો રિક્ષા નં.(GJ 05 XX 9732)ના ચાલકે તેમનાને પાછળથી ટક્કર મારી હતી.
અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી રિક્ષા કબજે કરી
રાહદારી સામદેવને માથા અને મોંના ભાગે ગંભીર ઈજા થતાં રાહદારી યુવાનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. રિક્ષાચાલક અકસ્માત સર્જી રિક્ષા મૂકી ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાબતે પોલીસને જાણ થતાં પોલીસે મરનાર ઇસમની પત્ની ઇન્દિરાદેવી પાસેથી રિક્ષાચાલક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.