પલસાણા: (Palsana) પલસાણાના તાતીથૈયા ગામે આવેલા ગોડાઉનમાંથી 54.79 લાખનો વિદેશી દારૂનો (Alcohol) જથ્થો ઝડપી પાડી કુલ 71.79 લાખ રૂપિયાનો જથ્થો કબજે કરી 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.
- તાતીથૈયામાં સબમર્શિબલ પમ્પના ગોડાઉનમાંથી 54.79 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
- સુરત શહેર અને જિલ્લામાં ઘુસાડવાનો હતો, ચાર વોન્ટેડ
પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા જીઆઇડીસી પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી. એ સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, તાતીથૈયા ગામની સીમમાં આવેલા સ્વામિનારાયણ એસ્ટેટ મહાકાળી સબમર્શિબલ પમ્પના ગોડાઉનમાં વિદેશી દારૂ મંગાવી સુરત શહેર થતા જિલ્લાના વિસ્તારમાં કાર્ટિંગ કરવા માટે સંગ્રહ કર્યો છે. તથા હાલમાં આ જથ્થાની હેરાફેરી કરવાની તૈયારી ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ છાપો મારતાં અંધારાનો લાભ લઇ ત્રણ ઈસમ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.
ગોડાઉનમાં તપાસ કરતાં અંદર વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉનની બાજુમાં પાર્ક કરેલા એક એલપીજી ટેન્કર નં.(જીજે 01 કેટી 6049) અને એક ટેમ્પો નં.(જીજે 21 વી 5683)માંથી પણ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો, ટેન્કર અને ગોડાઉનમાંથી 1112 બોક્સ જેમાં બોટલ નંગ 52728 કિંમત રૂ.54 લાખ 79,200 રૂપિયાનો દારૂ ઉપરાંત બે વાહનો કિં.રૂ.17 લાખ મળી કુલ 71,79,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ગોડાઉન ભાડે રાખનાર મોનારામ નેનારામ (રહે., ઢોલિયો, જોધપુર, રાજસ્થાન), સુધીર કુમાર રાજકિશોર શર્મા (રહે., રાધેક્રિષ્ના રેસિડેન્સી, જોળવા, તા.પલસાણા) અને બંને વાહનના ચાલક સહિત કુલ ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા.
તાતીથૈયામાં મિલમાં કામ કરતાં કર્મચારીનું ચક્કર આવ્યા બાદ મોત
પલસાણા: પલસાણાના તાતીથૈયા ખાતે આવેલી નવનિધિ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં કામ કરતી વખતે કર્મચારી અચાનક ચક્કર આવતાં નીચે પડી જતાં તેનું મોત થયું હતું. તાતીથૈયા ગામે સાઈ પારેખ સોસાયટીમાં રહેતા રાકેશકુમાર મોતીચંદ પંડિત (ઉં.વ.46) ગત તા.23/4/2024ના રોજ તાતીથૈયા ગામે આવેલી નવનિધિ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં કામ કરી રહ્યો હતો. એ સમયે અચાનક ચક્કર આવી જતાં તે નીચે પટકાતાં તેને તાત્કાલિક ચલથાણની સંજીવીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.