Dakshin Gujarat

સતત વિવાદમાં રહેતા કડોદરા પોલીસ મથકના GRD અને હોમગાર્ડના વધુ એક પરાક્રમથી ભારે ચકચાર

પલસાણા: (Palsana) સુરતના કડોદરા પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરજ બજાવતા GRD હોમગાર્ડ સતત વિવાદમાં રહે છે. ત્યારે વધુ એક હોમગાર્ડે (Home Guard) સવાયો પોલીસ બની સામાન્ય બાબતમાં કડોદરા ક્રિષ્નાનગરમાં એક યુવાન સાથે ઝઘડો કરી પોતે પોલીસની ઓળખ આપી યુવાનને નગ્ન કરી કડોદરા વિસ્તારમાં ફેરવવાની ધમકી આપ્યા બાદ ઝઘડો (Quarrel) પતાવવા વચ્ચે પડેલી યુવાનની બહેનની છેડતી કરતાં મામલો કડોદરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

  • કડોદરામાં પોલીસ હોવાનો દમ મારી હોમગાર્ડે યુવાનને નગ્ન કરી નગરમાં ફેરવવાની ધમકી આપી
  • ક્રિષ્નાનગરમાં એક યુવાન અને ઇંડાંની લારી ચલાવતી બહેનને અપશબ્દો બોલી પ્રિન્સ લીંબોડકરની દાદાગીરી

પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરાના શાંતિનગર ખાતે રહેતા પ્રકાશ શંકર બાવીસકરે કડોદરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. પ્રકાશ બાવીસકર ગત શુક્રવારે કડોદરાના કૃષ્ણનગરના કેનાલ રોડ પર હાજર હતા. ત્યારે કડોદરા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા પ્રિન્સ રાજુ લીંબોડકરે સામાન્ય બાબતે પ્રકાશ સાથે દાદાગીરી કરી પ્રકાશને નગ્ન કરી કડોદરા નગરમાં ફેરવવાની ધમકી આપી હતી અને ખોટા કેસમાં ફસાવી દઈ જેલમાં પુરાઈ દેવાની ધમકી આપી હતી. પ્રકાશ ત્યાંથી નહેર ઉપર તેની મોટાં બેન ઇંડાંની લારી ચલાવે છે ત્યાં પહોંચી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. એ સમયે જ પ્રિન્સ, તેનો મોટો ભાઈ અક્ષય તેમજ મામા પ્રશાંત અને તેનો મિત્ર ગનુ વગેરે ત્યાં પહોંચી ગયા હતા.

એ વેળા પ્રકાશનાં મોટાં બેન સમજાવવા જતાં તેમને પણ અપશબ્દો બોલી ધક્કામુક્કી કરી અડપલાં કર્યાં હતાં. આ બનાવ સમયે તેમના હાથમાં તલવાર, ચપ્પુ જેવાં સાધનો પણ હતાં. જેથી પ્રકાશની બહેને કડોદરા પોલીસ સ્ટેશનમાં મદદ માટે ફોન કરતાં તેઓ તમામ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. અગાઉ સતત વિવાદમાં રહેતા કડોદરા પોલીસમથકના GRD અને હોમગાર્ડના વધુ એક પરાક્રમથી ભારે ચકચાર મચી ગઇ છે. આ અંગે પ્રકાશે કડોદરા પોલીસમથકમાં લેખિત ફરિયાદ આપી છે. ત્યારે જિલ્લા પોલીસ વડા અને કડોદરા પોલીસ સ્ટેશનના પી.આઈ. સવાયા પોલીસ બનીને ફરતા હોમગાર્ડ અંગે કેવું વલણ દાખવે છે એ જોવું રહ્યું.

હોમગાર્ડના મામાએ પણ લેખિત ફરિયાદ કરી
સામે પક્ષે હોમગાર્ડના મામા પ્રશાંતે અર્જુન ઉર્ફે છોટુ, નીતિશ તેમજ એક મહિલા વિરુદ્ધ કડોદરા પોલીસ સ્ટેશનમાં માર મારવાની અને મોટરસાઇકલ બળજબરી લઈ લેવાની લેખિત ફરિયાદ આપતાં પોલીસે તેમની પણ લેખિત અરજી લીધી હોવાની જાણવા મળ્યું છે.

Most Popular

To Top