પલસાણા: (Palsana) પલસાણા કારેલી ગામે એક મુસ્લિમની (Muslim) દુકાન (Shop) આગળ ગામના માલધારી સમાજના છોકરા ઢોર લઈને જતા હતા. દરમિયાન દુકાન આગળ પડેલા છાણ બાબતે બે જૂથ વચ્ચે બબાલ (Quarrel) થઇ હતી તેમજ પથ્થરમારો પણ થતાં પોલીસ (Police) ઘટના સ્થળે દોડી આવી હતી. બંને જૂથના આગેવાનોના પ્રયાસથી બંને જૂથ વચ્ચે સમાધાન થયું હતું.
- પલસાણાના કારેલીમાં દુકાન આગળ છાણ પડતાં માલધારી અને મુસ્લિમ જૂથ વચ્ચે બબાલ
- વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ, આગેવાનોએ મધ્યસ્થી કરતાં સમાધાન થયું
પ્રાપ્ત માહિતી અનુસાર કારેલી રેલવે ટ્રેક નજીક એક મુસ્લિમ પરિવાર વર્ષોથી રહે છે અને ઘરના આગળના ભાગે એક નાની પરચૂરણ સામાનની દુકાન ધરાવે છે. મંગળવારે સાંજે ગામના માલધારી સમાજના કેટલાક છોકરા ઢોર ચરાવી પોતાના ઢોર લઈને ગામ તરફ આવતા હતા. ત્યારે મુસ્લિમ દુકાનદારની સામે ઢોરે પોદરું નાંખતાં બંને વચ્ચે બોલીચાલી સાથે હાથાપાય થઈ હતી, જેમાં માલધારી સમાજના એક છોકરાને માથામાં માર વાગતાં મામલો બિચક્યો હતો અને જોતજોતામાં માલધારી સમાજના ગામમાંથી મોટું ટોળું આવી પહોંચ્યું હતું અને મુસ્લિમ દુકાનદારના મકાન ઉપર ટોળાંએ પથ્થરમારો કર્યો હતો તેમજ દુકાન નજીકની લારી ઊંધી વાળી દીધી હતી. મામલો વધુ બિચકે એ પહેલાં પલસાણા પોલીસ પહોંચી જતાં મામલો શાંત થયો હતો. આ લખાય છે ત્યારે બંને સમાજના આગેવાનોની મધ્યસ્થીથી બંને જૂથ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળે છે.
પલસાણામાં પિસ્તોલ સાથે એક ઇસમ ઝડપાયો
પલસાણા: પલસાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, બલેશ્વર ગામની સીમમાં આવેલી એક હોટલ સામે નેશનલ હાઇવે પર એક ઇસમ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ફરે છે. આથી બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પલસાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે હેડ કોન્સ્ટેબલ શીતલભાઇને બાતમી મળી હતી કે, પલસાણાના બલેશ્વરની સીમમાં નેશનલ હાઇવે પર આવેલી ગોકુલ હોટલ પાસે જાહે૨માં એક ઇસમ દેશી હાથ બનાવટની પિસ્તોલ લઇ ફરી રહ્યો છે. જેના આધારે પલસાણા પોલીસની ટીમે સ્થળ પર જઇ દેશી હાથ બનાવટની પિસ્તોલ કિં.,૧૫ હજાર સાથે વિનોદ નાગજીરામ મુંગીલાલ તૈલી (ઉં.વ.૨૨) (૨હે., નીલમ હોટલની પાછળ, કાંતિભાઇ મારવાડીની બિલ્ડિંગમાં, શાંતિનગર, કડોદરા, મૂળ રહે., રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. તેમજ એક મોબાઇલ કિંમત રૂ.૫ બજાર મળી કુલ ૨૦ હજારનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.