પલસાણા: (Palsana) કામરેજમાં રહેતા અને ડાયમંડ મશીનનું (Diamond Machine) મેન્યુફેક્ચરિંગનું કામ કરતો એક યુવક તેના મિત્ર (Friend) સાથે કામ અર્થે મુંબઇ (Mumbai) જવા નીકળ્યો હતો. ત્યારે એક ટ્રક ચાલકે (Truck Driver) તેમને પાછળથી આવી ટક્કર મારતાં યુવકની કાર (Car) આગળ ચાલતી ટ્રક સાથે અથડાઇ હતી. જેને લઇ કારમાં બેઠેલા ઇસમને ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજની શાંતિવન સોસાયટીમાં રહેતા જયદીપ અરવિંદ પટોળિયા (ઉં.વ.૨૯) સુરત મીની બજાર ખાતે ડાયમંડ મશીનના મેન્યુફેક્ચરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને ગતરોજ મુંબઇ ખાતે મેન્યુફેક્ચરિંગના કામે મીટિંગ હોવાથી તેઓ તેમના મિત્ર હર્ષદ કમલેશ બુહા (ઉં.વ.૩૧) (રહે.,કામરેજ, સુવર્ણ ભૂમિ સોસાયટી) તેમની સાથે જયદીપભાઇ તેમની ઓડી કાર નં.(જીજે ૩૮ બીએ ૧૯૭૫)માં મુંબઇ જવા નીકળ્યા હતા. ત્યારે પલસાણ ગામની સીમમાં નેશનલ હાઇવે નં.૪૮ પર ઓવરબ્રિજ પરથી પસાર થતી વેળા તેમની પાછળ આવી રહેલી અજાણી ટ્રકના ચાલકે પાછળથી ટક્કર મારી હતી. જેને લઇ ઓડી ગાડી આગળ જતી એક ટ્રક સાથે અથડાઇ હતી.
દરમિયાન ગાડીનો દરવાજો અચાનક ખૂલી જતાં પાછળ બેઠેલા હર્શદભાઇ બુહા ગાડીમાંથી નીચે ફંગોળાઇ ગયા હતા. અને તેમને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે જયદીપભાઇ પટોળિયાએ અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ પલસાણા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.
ધામડોદ લુંભામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સામાનની ચોરી
બારડોલી: બારડોલીના ધામડોદ લુંભા ગામની સીમમાંથી તસ્કરો દક્ષિણ ગુજરાત વીજ કંપનીની લોખંડની પ્લેટ, એંગલ અને ફ્યૂઝ બોક્સની ચોરી થઈ જતાં બારડોલી ટાઉન પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધામડોદની સીમમાં બારડોલી-કડોદ રોડ પર લવ એન્ડ કેર ડોક્ટર હાઉસની બાંધકામવાળી જગ્યાએ નવા ઇલેક્ટ્રિક પોલ નાંખ્યા હોવાથી જૂના પોલ સાથે અન્ય સામાન મૂકેલો હતો. રવિવારે રાત્રે આ સામાનમાંથી લોખંડની પ્લેટ, એંગલ અને ઇલેક્ટ્રિક લાઈનની લોખંડનું ફ્યૂઝ બોક્સ ચોરી થઈ ગઈ હતી. આ તમામ સામાનની કિંમત રૂ.4 હજાર જેટલી થાય છે. ઘટના અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ મનીષ હરિ ચૌધરીએ બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.