પલસાણા: (Palsana) નેશનલ હાઇવે નં.48 ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જવાના રસ્તે પલસાણા ધોબીની મિલ પાસેથી મોટરસાઇકલ ઉપર ત્રણ મિત્રો જઈ રહ્યા હતા ત્યારે ટ્રક (Truck) સાથે મોટરસાઈકલ ભટકાઈ હતી. જેમાં કતારગામના યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બે ઈસમને ગંભીર હાલતમાં હોસ્પિટલ (Hospital) ખસેડાયા હતા.
- પલસાણા હાઇવે ઉપર ટ્રક પાછળ અથડાતાં બાઇકસવાર ત્રણ મિત્રો પૈકી એકનું મોત
- બેની હાલત ગંભીર, સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા
નેશનલ હાઇવે નં.48 ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જવાના રસ્તે પલસાણા ધોબીની મિલ પાસેથી પસાર થતી વખતે એક હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ નં.(GJ 05 LM 0960) ઉપર ત્રણ મિત્રો જઈ રહ્યા હતા. ત્યારે આગળ ચાલતી એક ટ્રક નં.(RJ 14 GQ 2075)ના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ ચાલતી મોટરસાઇકલ ટ્રક સાથે ભટકાઈ હતી. જેથી મોટરસાઇકલ ચાલક અંકિતભાઈ નવીનભાઈ રાઠોડ (ઉં.વ.19) (રહે., વેડ દરવાજા, કતારગામ)નું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા વિકાસભાઈ દિનેશભાઇ ભથવારે અને પરેશભાઈ (રહે., કતારગામ)ને ગંભીર માર વાગતાં તેમને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈએ ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ આપતાં વધુ તપાસ પલસાણા પોલીસ કરી રહી છે.
ઓલપાડના દેલાડ ગામના યુવાને ઝાડ સાથે બાઈક અથડાવી દેતાં મોતને ભેટ્યો
સાયણ: ઓલપાડના દેલાડ ગામની મણીપુષ્પક સોસાયટીના મકાન નં.૧૦૩, ૧૦૪માં રહેતા મિહિરકુમાર રમેશભાઈ ચાસિયા તા.૧૨/૫/૨૦૨૩ના રોજ રાત્રે પોતાની યામાહા કંપનીની એફઝેડ મોટરસાઇકલ નં.(જીજે-૦૫-એલઝેડ-૩૬૭૩) લઈ વેલંજાથી સાયણ તરફ પૂરઝડપે આવતો હતો. દરમિયાન સાયણ ગામની સીમમાં ઓવરબ્રીજ થી ૨૦૦ મીટરના અંતરે આવેલા ઝાડ સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મીહીરને માથા તથા મોંના ભાગે ગંભીર ઈજા પહોંચતાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તા.૧૯/૫/૨૦૨૩ના રોજ મિહિરનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે ગીરીશભાઈ કંથારિયાએ સાયણ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પલસાણામાં રાત્રિના સમયે અગાસી પરથી પડી જતાં યુવકનું મોત
પલસાણા: પલસાણા ગામે આવેલી સૂર્યાન્સી રેસિડેન્સીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના સુભાષકુમાર સુખલાલ રાવત ગતરોજ મોડી રાતના સુમારે અચાનક બિલ્ડિંગના ધાબા પરથી નીચે પડી જતાં માથા તથા હાથના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેને લઇ તેમને ૧૦૮ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.