ચલથાણમાં ઘરમાં ઘૂસેલા ચોરોને સેલ્ફ ડિફેન્સ તાલીમ લેનાર યુવતીએ જબરદસ્ત મુકાબલો કરી ભગાડ્યા

પલસાણા: (Palsana) પલસાણાના ચલથાણની રામકબીર સોસાયટીમાં આવેલા એક મકાનમાં હથિયાર સાથે ઘૂસેલા ત્રણ ચોરનો (Thief) પરિવારની 20 વર્ષીય દીકરીએ હિંમતપૂર્વક સામનો કરતાં ત્રણેયે ભાગવાની ફરજ પડી હતી. કોલેજમાં સેલ્ફ ડિફેન્સના (Self Defense) પાઠ ભણેલી દીકરીને તસ્કરોને પડકારતાં હાથના ભાગે ઇજા થતાં 24 જેટલા ટાંકા આવ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટના અંગે પોલીસે (Police) સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના ચલથાણ ગામે રેલવે ફાટકની બાજુમાં આવેલી રામકબીર સોસાયટીમાં C15 નંબરના મકાનમાં બાબુરામ કાશીનાથ સ્વાઇન તેના પરિવાર સાથે રહે છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના છે. મંગળવારે બાબુરામ મિલમાં નાઈટ ડ્યૂટી પર ગયો હતો. ત્યારે ઘરે બે દીકરી રિયા અને રિચા તેમજ તેમની પત્ની ભારતી હાજર હતાં. રાત્રે જમી પરવારીને ભારતીબેન તેમજ રિચા સૂઈ ગયાં હતાં. જ્યારે મોટી દીકરી રિયા સ્વાઇનની બી.એસ.સી. પ્રથમ વર્ષમાં બારડોલીની પાટીદાર જીન સાયન્સ કોલેજમાં અભ્યાસ કરે છે. હાલ તેની વાર્ષિક પરીક્ષા ચાલતી હોવાથી રાત્રિના સમયે તે વાંચી રહી હતી. આ દરમિયાન રાત્રિના 1.30 વાગ્યાની આસપાસ અચાનક વીજળી ગુલ થઈ જતાં ઘરમાં અંધારું છવાઈ ગયું હતું.
અંધારાનો લાભ લઈ 3 ચોર તેમના ઘરમાં ચોરી કરવાના પ્લાન સાથે પાછળનો દરવાજો તોડી ઘરમાં ઘૂસ્યા હતા.

ચોર ઘૂસતા જ લાઇટ આવી ગઈ હતી. જો કે, ચપ્પુ જેવા હથિયાર સાથે એક ચોર રિયાની સામે ઊભો રહી ગયો હતો અને તેના બેડ પર ચપ્પુ બતાવી તેને બંધક બનાવવાની કોશિશ કરતાં રિયાએ હિંમતપૂર્વક તેનો સામનો કર્યો હતો. આ દરમિયાન અન્ય બે ચોર પણ ઘરમાં ઘૂસી આવ્યા હતા. જે પૈકી એક તેની બહેન રિચા પાસે જતાં જ રિયાએ બૂમાબૂમ કરી મૂકતાં બહેન રિચા અને તેની માતા ભારતી ઊઠી ગયાં હતાં. ભારે હોહા મચી જતાં ચોર સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. હથિયાર સાથે આવેલા ચોરોનો સામનો કરતી વખતે હાથના ભાગે ચપ્પુના ઘા વાગતાં યુવતીને હાથના ભાગે 24 ટાંકા લીધા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

યુવતીએ કોલેજમાં લીધેલી સેલ્ફ ડિફેન્સની તાલીમ કામ આવી
રિયા બાબુરામ સ્વાઇન (ઉં.વ.20) બારડોલીની પાટીદાર જીન સાયન્સ કોલેજમાં પ્રથમ વર્ષ બી.એસ.સી.માં અભ્યાસ કરે છે. તેણીએ સેલ્ફ ડિફેન્સ અંગે તાલીમ લીધી હતી. આ તાલીમ તેણીએ ખરા વખતે ઉપયોગમાં આવી હતી. એકસાથે ત્રણ ચોરનો હિંમતપૂર્વક સામનો કરતાં લોકોએ તેની હિંમતને બિરદાવી હતી.

Most Popular

To Top