પલસાણા: (Palsana) પલસાણાના પાડા ફળિયામાં રહેતા યુવકો અને કેટલીક મહિલાઓ પલસાણા હાઇવેથી (Highway) પઠાણ પાર્ક થઇ ગણપતિના (Ganpati) આગમન વેળા ડીજેના તાલ ઉપર નાચતાં હતાં. ત્યારે શ્રીજીની પ્રતિમા લઈ જતા ટેમ્પોચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં ટેમ્પો (Tempo) નીચે બે મહિલા અને ત્રણ બાળકો આવી જતાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચારને ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
- પલસાણામાં ગણપતિ લઈને આવતા ટેમ્પોએ ડીજેમાં નાચતાં પાંચને અડફેટે લીધાં, એકનું મોત
- ટેમ્પોચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં મહિલાનું મોત, ચારને હોસ્પિટલ ખસેડાયાં
પલસાણા ગામમાં આવેલા પાડા ફળિયાના લોકો ગણપતિ આગમનના ધાર્મિક પ્રસંગ નિમિત્તે ગણપતિની મૂર્તિ લેવા માટે ગયા હતા. મૂર્તિ લઈને પરત પઠાણ પાર્ક કેસરીનંદન પેટ્રોલપંપ પલસાણા ખાતે આશરે રાત્રે આઠેક વાગ્યે ઊભા રહ્યા હતા. એ બાદ કેસરીનંદન પેટ્રોલપંપ ખાતેથી પાડા ફળિયાથી પલસાણા સુધી ગણપતિ આગમન માટે ડીજે કાઢવાના હોવાથી તેની તૈયારીઓ માટે ત્યાં મંડપમાં એકઠા થયા હતા. અને ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા હતા. દરમિયાન એકાએક ટેમ્પો નં.(GJ-૧૯- T-૨૬૯૧)ના ચાલક સતીશ બુધિયા રાઠોડ (રહે.,પાડા ફળિયું, પલસાણા)એ સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગુમાવતાં ગફલતભરી રીતે હંકારી લાવી ત્યાં ઊભેલા લોકોનો અડફેટે લીધા હતા.
આ ઘટનામાં આરતીન ઉક્કડ રાઠોડ (ઉં.વ.૧૯) (૨હે., પાડા ફળિયા), પિંકુ કાળુ રાઠોડ (ઉં.વ.૩૦), અંશ નવીન હળપતિ (ઉં.વ.૧૦) તેમજ રાધિકા લાલુ રાઠોડ (ઉં.વ.૧૧)ને ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતાં. અને રંજન ભાણા રાઠોડ (ઉં.વ.૫૦)ને પણ અડફેટે લેતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહનો કબજો લઈ ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સમયનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
કોસંબા-ખરચ રોડ પર કારચાલકે ટક્કર મારતાં આધેડનું મોત
હથોડા: મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કોસંબા નજીકના આમોદ પાટિયા ખાતે રહીને કોસંબાની હદમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાત ચલાવતો શિવમૂર્તિ હીંનછલાલ પટેલ (ઉં.વ.41) નોકરી કરી રોડ પરથી પગપાળા પોતાના રૂમ પર જઈ રહ્યો હતો. ત્યારે કોસંબા-ખરચ રોડ પર પૂરપાટ ઝડપે ધસી આવેલી જીજે 19 બીએ 7995 નંબરની કારચાલકે નજીકમાં આવેલા પીજીપી ગ્લાસ સામે રોડ પર પગપાળા ચાલતા શિવમૂર્તિને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા શિવમૂર્તિનું મોત થયું હતું. આ બનાવ અંગે કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.