પલસાણા: પલસાણાના (Palsana) એના ગામે પ્રાથમિક શાળામાં (Primary school) આવેલા બુથ નં.૪ને મોર્ડન બુથ બનાવી સરદાર વલ્લભભાઇ પટેલ અને બારડોલી (Bardoli) સત્યાગ્રહની યાદોને તાજી કરતું એક મોર્ડન બુથ બનાવવામાં આવ્યું હતું. જેને લઇ મતદારોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને સ્વાતંત્ર્ય સંગ્રામની યાદ તાજી કરાવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દરેક વિધાનસભાની બેઠક ઉપર મોર્ડન બુથ બનાવવાની ચૂંટણી પંચની સૂચનાને લઇ બારડોલી પ્રાંત અને મુખ્ય ચૂંટણી અધિકારી સ્મિત લોઢા દ્વારા બારડોલીના સત્યાગ્રહમાં સરદાર પટેલની મુખ્ય ભૂમિકાની થિમ ઉપર પલસાણાના એનઆરઆઇ તેમજ પાટીદાર પ્રભુત્વ ધરાવતા એના ગામે પ્રાથમિક શાળામાં આવેલા બુથ નં.૪ને મોર્ડન બુથ બનાવી તેમાં બારડોલી સત્યાગ્રહમાં સરદાર પટેલની ભૂમિકાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સરદારનું બિરુદ આપનાર અકોટી ગામનાં ભીખીબેન પટેલને પણ યાદ કરવામાં આવ્યાં હતાં.
અંગ્રેજ શાસન દરમિયાન સને-૧૯૨૮માં સરદાર વલ્લભભાઇ પટેલે સુરત જિલ્લાના બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યુ હતું. બારડોલી સ્વરાજ આશ્રમથી જ સરદાર પટેલનું બિરુદ મળ્યું હતું. અંગ્રેજ સરકારની કડક ટેક્સ નીતિઓથી પ્રભાવિત ખેડૂતો માટે આ સૌથી મોટો સત્યાગ્રહ હતો. જેનું પ્રદર્શન મોર્ડન બુથમાં કરવામાં આવ્યું છે, જેમાં બારડોલી સત્યાગ્રહના ઐતિહાસિક ફોટાઓને સંપૂર્ણ વિગત સાથે મૂકવામાં આવ્યા છે. જેને મતદારોને મોર્ડન બુથમાં મતદાનની સાથે સાથે સરદાર પટેલની ગાથા પણ મતદારો સરળતાથી સમજી શકે તેવા હેતુથી આ મોર્ડન બુથ બનાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોર્ડન બુથ હોવાથી મતદારોનું પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જેને લઇ મતદારો પણ મતદાન બુથ સુધી જવા માટે પણ એક પ્રેરણાનું માધ્યમ બનશે.
પલસાણાના ગંગાધરા ડીસ્પેચ સેન્ટર ઉપરથી ઇવીએમ મશીનો વિતરણ કરાયાં
પલસાણા: પલસાણાની ગંગાધરા હાઇસ્કૂલમાં બારડોલી વિધાનસભા ચૂંટણીનું મુખ્ય અને ઈવીએમ ડીસ્પેચ સેન્ટર આપવામાં આવ્યું છે, જ્યાં બારડોલી પ્રાંત તેમજ ચૂંટણી અધિકારી સ્મીત લોઢાની નજર હેઠળ બારડોલી વિધાન સભાના ૨૭૨ બુથો ઉપર ઇવીએમ મશીન પોલીસ બંદોબસ્ત સાથે મોકલવામાં આવ્યા હતા.
પલસાણાની ગંગાધરા હાઇસ્કૂલ જે બારડોલી વિધાનસભાના ડીસ્પેચ સેન્ટર પરથી કર્મચારીઓ બુધવારે સવારથી ઇવીએમ મશીન સહિતની વિવિધ સામગ્રીઓ લઇને ફ૨જ નિયુક્ત કરાયેલાં મતદાન મથકો ઉ૫૨ રવાના થયા હતા. સવારથી જ ડીસ્પેચ સેન્ટર પરથી કર્મચારીઓ ચૂંટણીનાં વિવિધ મતદાન કેન્દ્રો માટે ફરજ નિયુક્ત કરાયેલા પ્રિસાઇડિંગ અને અને પોલિંગ સહિતના અધિકારીઓ વિવિધ સાધન સામગ્રી સાથે મતદાન કેન્દ્રો પર પહોંચી ગયા હતા. અને બુધવારે રાત્રિ રોકાણ પણ તેઓ મતદાન કેન્દ્રો પર કરશે. કોઇપણ ભોગે ફરજ નિયુક્ત કર્મચારી મતદાનમથક છોડી શકશે નહીં. બારડોલી બેઠક પર કુલ ૨૭૨ મતદાન બુથો ફાળવાયા છે, જેમાં ૮૧ મતદાન મથક સંવેદનશીલ હોવાથી તેવા બુથો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.