પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં નેશનલ હાઇવે નં. ૪૮ (National Highway 48) પાસે આવેલ સંસ્કાર વિધા સંકુલની નર્સીંગ કોલેજમાં (College) અભ્યાસ કરતી વિદ્યાર્થિનિનીના મોતને પગલે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને લઈને આજ રોજ ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના (Indian Tribal Tiger Sena), સંસ્કાર વિધા સંકુલ ખાતે તેમજ મામલતદાર કચેરી ખાતે આવવાની માહિતીને પગલે જીલ્લા પોલીસ હ૨કતમાં આવી હતી. સંસ્કાર વિધા સંકુલ તથા મામલતદાર કચેરી ખાતે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
- ટ્રાયબલ ટાઈગર સેના આવવાની આશંકાને પગલે સંસ્કાર વિદ્યા સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાયું
- 20 વર્ષીય આદિવાસી યુવતીની મોતના પ્રકરણ પર પડદો પાડવાના કોલેજના પ્રયાસો ખુલ્લા પડી જતાં આદિવાસી સમાજ લાલચોળ
- ટોળુ બેકાબુ બને તો તેને અંકુશમાં લેવા વિદ્યા સંકુલ બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો, પાણીનો મારો ચલાવવા વ્રજ પણ તહેનાત
પલસાણા તાલુકાના બલેશ્વ૨ ગામની સીમમાં નેશનલ હાઇવે ૪૮ પાસે આવેલ સંસ્કાર વિધા સંકુલમાં નર્સીંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી આદિવાસી સમાજની ૨૦ વર્ષીય સોનલ ચૌધરીએ કોલેજના સ્ટાફની હેરાનગતિને લઇ શનિવારના રોજ કોલેજ પરિસરમાં જ ન કરવાનું કામ કરી નાંખ્યું હતું. તેના મોતની ચકચારી ઘટના બાદ કોલેજના સ્ટાફે સમગ્ર મામલાને દબાવવા માટે પણ પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ યુવતીના પરીવાર તેમજ સામાજીક સંગઠનોએ આ બાબતે સામે આવી ન્યાય માટે અપીલ કરતાં પોલીસે તપાસને વધુ તેજ બનાવી હતી.
ઘટનાના બે દિવસ બાદ પોલીસે શાળાના આચાર્ય તેમજ શિક્ષીકા સામે ગુનો નોંધી બન્નેને જેલના હવાલે પણ કર્યા હતા. પરંતુ કોલેજ દ્વારા સમગ્ર પ્રકરણ પણ પડદો પાડવા માટે કરાયેલા પ્રયાસો ખુલ્લા પડી જતાં આદિવાસી સમાજમાં પણ તેને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને લઇને આજ રોજ ભારતીય ટ્રાઇબલ સેના સંસ્કાર વિધાસંકુલ ખાતે તેમજ મામલતદાર કચેરીએ આવવાના હોવાની જીલ્લા પોલીસને માહીતી મળતાં પોલીસ પણ તાત્કાલીક હરકતમાં આવી હતી.
સવારથી જ જીલ્લા પોલીસની મોટી ટીમને સંસ્કાર વિધા સંકુલ ખાતે ખડકી દેવામાં આવી હતી તથા ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના મોટી સંખ્યામાં આવે અને ટોળુ બેકાબુ બને તો તેને પહોંચી વળવા માટે જીલ્લા પોલીસ દ્વારા ટોળઆને વિખેરવા પાણીનો મારો ચલાવવો પડે તો તે માટે પણ પોલીસે સંસ્કાર વિધા સંકુલની બહાર વ્રજને ખડકી દીધું હતું.