પલસાણા: (Palsana) પલસાણા ખાતે રહેતો યુવાન નોકરીના (Job) કામ અર્થે તાંતીથૈયા બાઇક લઇ જઇ રહ્યો હતો. એ દરમિયાન સીએનજી (CNG) પંપના કટ પર પાછળથી કારચાલકે (Car Driver) બાઇકને (Bike) ટક્કર મારતાં બાઇક ચાલક ઉછડી સામેના ટ્રેક પર ફંગોળાયો હતો. બાદ સામેથી આવતી ટ્રકે (Truck) યુવાનને અડફેટે લેતાં યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
- કાર સાથે અથડાયા બાદ ઉછળીને સામેના ટ્રેક પર પડેલા બાઇકચાલકનું ટ્રક અડફેટે મોત
- પલસાણાનો યુવાન બાઇક ઉપર ગોકુળ ફેબ્રિકેશનમાં બિલ આપવા જતો હતો ત્યારે તાંતીથૈયા પાસે અકસ્માત નડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા ખાતે કુંભાર ફળિયામાં રહેતા હરીશભાઈ ઈશ્વરભાઈ મિસ્ત્રી શનિવારે સવારે 11.30 વાગ્યાના અરસામાં શુભમ ટ્રેડિંગના કામ અર્થે પેશનપ્રો બાઇક નં.(GJ 19 AR 0198) લઈ તાંતીથૈયા ખાતેની ગોકુળ ફેબ્રિકેશનમાં બિલ આપવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન તાંતીથૈયા ખાતે CNG કટ નજીક કડોદરાથી બારડોલી તરફ જતી બેફામ કાર નં.(GJ 19 BA 9201)ના ચાલકે બાઇકને ટક્કર મારતાં હરીશભાઈ સામેની બાજુએ ઉછળીને ફંગોળાયા હતા. દરમિયાન બારડોલીથી કડોદરા તરફ જતી ટ્રક નં.(GJ 19 T 2154)ની સામે પડતાં હરીશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકમાં પુત્ર શિવકુમાર મિસ્ત્રીએ કડોદરા GIDC પોલીસમથકમાં બંને વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
નંદેલાવ બ્રિજ સમારકામની કામગીરીને કારણે 5 દિવસ વાહનોની અવરજવર માટે બંધ કરાયો
ભરૂચ: ભરૂચથી દહેજને જોડતા નંદેલાવ બ્રિજ જર્જરિત થયો છે. જેને પગલે તંત્ર દ્વારા આવતી કાલથી ૯મી ફેબ્રુઆરી સુધી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આથી વાહનોની અવરજવર બંધ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.આર.ધાધલ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વાહનચાલકોએ તંત્ર દ્વારા નક્કી કરેલું ડાયવર્ઝન અપાયું છે.
જેમાં એ.બી.સી. સર્કલથી શ્રવણ ચોકડી તરફ જતા બ્રિજ ઉપરનાં વાહનોને એ.બી.સી. સર્કલથી ડાયવર્ટ કરી સામેની બાજુથી એટલે કે શ્રવણ ચોકડીથી એ.બી.સી. સર્કલ તરફ આવતા બ્રિજ ઉપર જ અવરજવર કરે તે રીતે ડાયવર્ટ કરી બંને તરફનો વાહન વ્યવહાર શ્રવણ ચોકડીથી એ.બી.સી. સર્કલ તરફ આવતા નંદેલાવ બ્રિજ ઉપરથી ચાલુ રહેશે. વધુ ટ્રાફિકજામની સમસ્યા સર્જાય તો એ.બી.સી. સર્કલથી તેમજ મઢુલી સર્કલથી નંદેલાવ બ્રિજ ઉપર ફક્ત મોટાં વાહનોની અવરજવર ચાલુ રહેશે. તેમજ ટુ વ્હીલર તેમજ નાના ફોર વ્હીલર વાહનો એ.બી.સી. સર્કલથી કોલેજ રોડ થઈ ભૃગુઋષિ બ્રીજથી શક્તિનાથથી શ્રવણ ચોકડી બાજુ વાહન વ્યવહારની અવરજવર ચાલુ રહેશે.
તેમ છતાં વધુ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય તો નર્મદા ચોકડીથી ને.હા.નં-૮ ઉપર અતિથી રીસોર્ટથી ચાવજ રેલવે અંડરપાસ થઈ હીંગલ્લા ચોકડી તરફ અથવા ભરૂચ શહેર તરફ માત્ર ટુ વ્હીલ૨ તેમજ નાના ફોર વ્હીલર વાહન જઈ શકશે. દહેજ તરફથી આવતાં ભારે વાહનો વડોદરા–સુરત તરફ જતા વાહનો મનુબર ચોકડીથી જંબુસર બાયપાસ થઈ થામ, દયાદરા, સમની, આમોદ, કરજણ તથા જંબુસર રોડ તરફ જઈ શકશે. ને.હા.નં.૮ ઉપર આવતાં વાહનો પાલેજથી સરભાણ, આમોદ, આછોદ, ગંધાર થઈ દહેજ તરફ જઈ શકશે. આ હુકમનો ભંગ કરનાર વાહનચાલકો સામે પગલાં ભરવામાં આવશે તેમ જણાવાયું છે.