કરોડોના માલનું પેમેન્ટ ન કરતાં અમદાવાદની કંપનીના ડિરેક્ટર્સ સહિત ત્રણ સામે ફરિયાદ – Gujaratmitra Daily Newspaper

Dakshin Gujarat

કરોડોના માલનું પેમેન્ટ ન કરતાં અમદાવાદની કંપનીના ડિરેક્ટર્સ સહિત ત્રણ સામે ફરિયાદ

પલસાણા: (Palsana) પલસાણાની કોટન અને ડેનિમ કાપડ બનાવતી કંપની (Company) પાસેથી કાપડના માલની ખરીદી કર્યા બાદ બાકી નીકળતા 1.36 કરોડ રૂપિયા નહીં ચૂકવનાર અમદાવાદની અંકુર ક્લોથિંગ પ્રા.લિ.ના બે ડિરેક્ટર અને દલાલ સામે પલસાણા પોલીસમથકમાં છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે.

  • કરોડોના માલનું પેમેન્ટ ન કરતાં અમદાવાદની કંપનીના ડિરેક્ટર્સ સહિત ત્રણ સામે ફરિયાદ
  • પલસાણાની કોટન અને ડેનિમ કાપડ બનાવતી કંપની પાસેથી 1.36 કરોડનો માલ ખરીદ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાની અનુભા ઈન્ડસ્ટ્રીઝમાં રહીને કંપનીમાં જ વાઇસ પ્રેસિડેન્ટ ફાઇનાન્સ તરીકે નોકરી કરતા અનુજ બાંકે બિહારી ગોયલે આપેલી ફરિયાદ અનુસાર તેમની કંપની કોટન અને ડેનિમ કાપડ બનાવી તેનું વેચાણ કરે છે અને વેચાણ માટે તેમના હાથ નીચે જ માર્કેટિંગ વિભાગ પણ કાર્યરત છે. જેનું કામકાજ અમિતભાઈ દેસાઇ સંભાળે છે. ગત ઓગસ્ટ-2022માં સુરતના વેસુ વિસ્તારમાં રહેતા અને કાપડ દલાલનું કામ કરતા કમલ ચમ્પાલાલ ધિયા અમિતભાઈને મળ્યા હતા અને તેમના સંબંધી અંકુર બૈધ અને સતીશકુમાર બૈધ અમદાવાદ ખાતે અંકુર ક્લોથિંગ પ્રા.લિ.ના નામથી કાપડનો વ્યાપાર કરે છે. તેઓ ડેનિમ અને કોટનના કાપડનો માલ ખરીદવા માંગતા હોવાનું જણાવ્યું હતું. આથી તેમણે ડિરેક્ટર્સ સાથે મીટિંગ કરાવ્યા બાદ તા.17/8/2022ના રોજથી ધંધાકીય વેપાર ચાલુ કરાવ્યો હતો.

તેમના તરફથી મળતાં ઓર્ડર મુજબ અનુભા કંપની તરફથી માલ મોકલવામાં આવતો હતો અને સામે અંકુર ક્લોથિંગ તરફથી સમયસર પેમેન્ટ ચૂકવી આપતા હતા. દરમિયાન ગત તા.7/8/2022થી તા.13/12/2022 સુધીમાં અંકુર ક્લોથિંગે 3,24,46,695 રૂપિયાનો કોટન અને ડેનિમ કાપડની ખરીદી કરી હતી. જે રકમ સમયસર ચૂકવી ન હતી. આ માલ પૈકી 1,36,03,614 રૂપિયા હજી અનુભા ઈન્ડસ્ટ્રીઝને ચૂકવવાના બાકી હોવાથી અનુજ ગોયલે અંકુર અંશુ બૈધ, સંતોષ ધનરાજ બૈધ અને દલાલ કમલ ચંપાલાલ બૈધ વિરુદ્ધ ફરિયાદ કરતાં પલસાણા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top