અલગ અલગ વેરાઈટીની ખાણી-પીણી એટલે સુરતીઓનો જાણે જન્મસિદ્ધ અધિકાર…જોકે, આજે આપણે વાત પીણીની નથી કરવાની પરંતુ માત્ર ખાણીની જ કરવાની છે. સુરતીઓ વસે અને ત્યાં ખાવા માટેના જલ્સા નહીં હોય તો નવાઈ જ લાગે. એક સમય હતો કે જ્યારે સુરતમાં રૂવાળા ટેકરા પર એટલી વાનગીઓ મળતી હતી કે એ ગલીનું નામ જ ‘ખાઉધરા ગલી’ પડી ગયું હતું. તે સમયે સુરત શહેર મોટાભાગે કોટવિસ્તાર પુરતું જ મર્યાદિત હતું પરંતુ હવે સુરતનો વિસ્તાર થયો છે. ઠેકઠેકાણે ‘ખાઉધરા ગલી’ઓ થઈ ગઈ છે પરંતુ જો એક જ રોડ પર તમામ પ્રકારની વાનગીઓનો આસ્વાદ માણવો હોય તો તે માટે પાલનો ગૌરવપથ હવે પ્રખ્યાત થઈ રહ્યો છે. આ ગૌરવપથ પર હાઈએન્ડ કહી શકાય તેવી હોટલો પણ છે, તો સાથે સાથે સામાન્ય વ્યક્તિ માટે ખાણી-પીણીની લારીઓ પણ છે. રેસ્ટોરન્ટ છે તો કેફે પણ છે. એવું કહી શકાય કે પાલનો ગૌરવપથ હવે ‘ખાઉધરા પથ’ થઈ ગયો છે….
ગૌરવપથ પર ‘મટકા ચા’થી શરૂ કરીને ‘આઈસ ગોલા’ની મઝા માણી શકાય છે
પાલ ગૌરવપથ રોડ પર ‘મટકા ચા’ ગુજરાતી થાળી કાઠીયાવાડી આઈટેમ જુદા જુદા પ્રકારના વેફલ્સ ખીચિયા પાપડ ચરોતરનું ખીચું નોનવેજમાં ચીકન સબજી અને સાથે ચોખાના રોટલા ચાઈનીઝ ક્યુઝિન, મેક્સિકન, ઈટાલીયન, પંજાબી, સાઉથ ઈન્ડિયન વગેરે ઈંડાની અનેકવિધ વેરાયટી લોચો, ખમણ, ઈદડા અને ફાફડા કુંભણીયાની સાથે ભજીયાની અનેક વેરાઈટી આઈસ ગોલાની વિવિધ પ્રકારની ડીશ મોમોઝની ડિશ તિબેટીયન ડિશ લાપિંગ સાઉથ ઈન્ડિયન આઈટેમ્સ. બોક્સ ક્રિકેટ કે ગેમઝોનની સાથે ખાવાની વાનગીઓ પીરસાય છે
શહેરી વિસ્તારોમાં કેફેનું કલ્ચર વધી રહ્યું છે. પાલના ગૌરવપથ પર અનેક કેફે ધમધમી રહ્યા છે. યુગલો આવા કેફેમાં ચાની ચુસ્કીની સાથે નાસ્તાની મજા લઈ શકે છે. કેટલેક ઠેકાણે તો બોક્સ ક્રિકેટની સાથેના પણ કેફે છે. ગેમઝોન સાથે પણ હોટલો-કેફે બનાવવામાં આવ્યા છે. ટેરેસ કેફેનો આનંદ પણ ગૌરવપથ પર લઈ શકાય છે.

બ્રેકફાસ્ટથી લઈને ડિનર અને છેલ્લે ડેઝર્ટની વાનગીઓ પણ મળી રહે છે
પાલના ગૌરવપથ પર એટલી હદે હોટલો અને કેફે થઈ ગયા છે કે દિવસના તમામ પહોરનું ખાવાનું ત્યાં મળી રહે છે. જો કોઈને બ્રેકફાસ્ટ કરવો હોય તો તેની વ્યવસ્થા છે. બપોરનું જમવું હોય તો તેની પણ વ્યવસ્થા છે અને સાંજનું ડિનર કરવું હોય તો તેનું પણ આયોજન છે. કોઈને કાઠીયાવાડી જમવું હોય તેની પણ હોટલ છે. કોઈને પંજાબી ખાવું હોય તો તેના માટે પણ વ્યવસ્થા છે. કોઈને માત્ર પાણીપુરી, દહીંપુરી ખાવી હોય તો પણ મળે છે. ફાસ્ટફુડની સાથે સાથે જો ડેઝર્ટમાં વફલ ખાવી હોય તો તે પણ છે. ભજીયા ખાવા હોય તો તેની પણ એટલી જ વેરાઈટી છે. એટલું જ નહીં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રની વાનગીઓનો સ્વાદ પણ ગૌરવપથ પર માણી શકાય છે. ગુજરાતી થાળીઓ પણ મળે છે તો આખા ગુજરાતની સાથે નોર્થ ઈન્ડિયા અને સાઉથ ઈન્ડિયાની વાનગીઓ પણ આ ગૌરવપથ પર લોકો ખાઈ શકે છે. માત્ર એટલું જ નહીં, ઈંડા અને નોન-વેજની આઈટમો ખાવા પણ લોકો ગૌરવપથ પર આવે છે. જો વધારે જમાઈ ગયું હોય તો છેલ્લે સોડાની મજા પણ માણી શકાય છે.
રાત્રે ખાવું હોય તો ગૌરવપથ પર કેફે ચાલું જ છે
એવું નથી કે દિવસે જ ગૌરવપથ પર મજા લઈ શકાય. રાત્રે પણ ખાવાનું મન થાય તો ગૌરવપથ પર જરૂરથી આંટો મારી શકાય છે. રાત્રે ચાની સાથે ગરમ ભજીયા, ફાફડા તો મળે જ છે પરંતુ સાથે સાથે ફાસ્ટફુડ પણ મળી રહેતું હોવાથી ગૌરવપથ ચોવીસ કલાક ધમધમતો હોય છે.

