Columns

પલ્લી(ગરોળી)નું શુકન-અપશુકન

અનોખી અનાયાએ આજે એક નવો જ પ્રશ્ન પૂછયો. તેણી વાંચવા બેઠેલી અને જમણા ખભા ઉપરથી પલ્લી (એટલે ગરોળી) પડીને પસાર થઇ ગઇ. શું અબોધ જીવોના આવા નાના Gesture પણ કુદરતનો કોઇ ઇશારો છે કેમ?
હા, બેટા. વાસ્તુ રાજવલ્લભ જેવા જગપ્રખ્યાત ગ્રંથોમાં પલ્લીના આવા Gestures વિષે ઘણું કહેવાયું છે. જેમ કે પલ્લી જો માથે ચડે તો રાજ્યની પ્રાપ્તિ થાય. આધુનિક સંદર્ભમાં કોઇ પણ પ્રકારની કાર્ય સત્તા હાંસલ થાય. જો તમે રાજકારણમાં હો અને ચૂંટણી લડતા હોય તો તે જીતની આગાહી કરે છે. તમે નાની સોસાયટીના પ્રમુખની ચૂંટણી લડતા હો તો પણ આવું વિચારી શકાય અથવા કોઇ કલબના પ્રમુખ બનવાની શકયતા પણ નકારી ના શકાય.

જો પલ્લી કાન ઉપર ચડે તો આભૂષણની પ્રાપ્તિ સૂચવે છે. તમને તારા ઘરના કે બહારના મિત્રો થકી પણ સારુ આભૂષણ પ્રાપ્ત થવાનું આ લક્ષણ છે. કપાળ ઉપર ચડેલ પલ્લી સર્વ પ્રકારની સમૃધ્ધિ પ્રાપ્તિની ઉદ્‌ઘોષણા કરે છે. જો નેત્ર ઉપર પલ્લી ચડે તો ખાસ મિત્રની મુલાકાત પાકી સમજવી. નાક ઉપર ચડેલી પલ્લી તમને સુગંધની પ્રાપ્તિ કરવે. તો મૂખ પર ચઢેલ પલ્લી મિષ્ટાનની પ્રાપ્તિની સૂચક છે. જો પલ્લી ગળા ઉપર કંઠના ભાગ પર આવે તો શ્રીવલ્લભપ્રાપ્તિનો ઇશારો સમજવો. જો તમે પુરુષ છો તો સારી સ્ત્રીમિત્ર જીવનમાં આવે અને જો તમે સ્ત્રી છો તો યોગ્ય પુરુષમિત્ર શોધી કાઢવામાં તમે સફળ થશો.

હવે અનાયા તમારો વારો? જો હાથના 3 ભાગ શાસ્ત્રોકત કરેલા છે. ઉપર ખભો, પછી ભૂજ અને પછી હાથ! ખભા ઉપર પડેલ પલ્લી તમારો પ્રતિસ્પર્ધામાં વિજય બતાવે. ભૂજ પર ચડેલ પલ્લી કોઇ પણ પ્રકારના લાભ સૂચવે. જ્યારે બરાબર હાથ ઉપર ચડેલ પલ્લી ધનની પ્રાપ્તિ સૂચવે છે. અનાયા આપણું ભણતર પણ એક સ્પર્ધા બની ગઇ છે. ત્યાં દરેક જણ પ્રથમ આવવાની હોડમાં અલગ અલગ ટ્રેનિંગ લેતા રહે છે. ભણતર બોધ પર વર્ગો કર્યા કરતા હોય છે. રાતદિન વાંચતા લખતા રહે છે. તમારા ખભા ઉપર ચડેલ પલ્લી તમને અહીં પણ સર્વશ્રેષ્ઠ બનાવી વિજયી ઘોષિત કરાવી શકે!

અમારા મિત્ર અભયભાઇના પણ ખભા પરથી પલ્લી પસાર થઇ. અરે થોડીક જ દૂરી પરથી નીકળી ગઇ! જો હાથ પર ચડી હોત તો ખૂબ પૈસા મળત. તેમાં પણ ડાબા પડખા કે ડાબા હાથ પર ચડેલ પલ્લીના ફળ શાસ્ત્રોમાં વધારે સચોટ ગણાવાયા છે. પરિણીત સ્ત્રીને સ્તન પર ચડેલ પલ્લી અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી જાય છે અને હૃદય પર ચડેલ પલ્લી ઘરમાં પુત્રના આગમનની છડી પોકારે છે. સ્ત્રીની ગોદમાં, કુખમાં કે પેટ અને પાંસળીની મધ્યમાં ચડેલ પલ્લી પણ સુખોનું નાના પ્રકારના સુખોની આગાહી કરે છે. પીઠ પર ચડેલ પલ્લી પણ સુખોની ઘોષણા કરે છે.

જ્યારે કટિ(કમરના) ભાગ પર ચડેલ પલ્લી નવા વસ્ત્ર મળવાની આગાહી કરે છે. શરીરનો મધ્ય ભાગ નાભિ, ઘરનો મધ્ય ભાગ એ ઘરની નાભિ. અહીં ચડેલ પલ્લી તમારો સૂર્ય મજબૂત કરી દે. તમને ખૂબ ખ્યાતિ, કીર્તિ, યશ અપાવે. જો તમને મિત્રમંડળ વધારવું છે, તો પાસા ઉપર પલ્લી ચડે અને નવા મિત્રો મળે. નેહાબેનને હંમેશા મિત્રો વધારવાનો ખૂબ શોખ. એમણે મને પૂછયું કે શું હું પાસા ઉપર પલ્લીનું ટેટુ કરાવી લઉં. જેથી અવનવા હકારાત્મક મિત્રોની પ્રાપ્તિ થતી જ રહે. મેં કીધું પ્રયોગાત્મક ધોરણે તમારો આ વિચાર ખોટો નથી! હવે થોડા અપશુકન પણ જોઇ લઇએ. જો પલ્લી ગુપ્ત ભાગ ઉપર પડે તો મરણ અથવા મરણતુલ્ય કષ્ટનો ઘોષિત કરે છે. ગુદા ઉપર ચઢે તો પણ લાંબી માંદગી સૂચવે છે.

વળી પાછા શુકન પર આવીએ. સાથળના ઉપલા ભાગ ઉપર ચડેલ પલ્લી નવા વાહન ખરીદવાની આગાહી કરે છે. જ્યારે નીચલા ભાગ ઉપર ચડેલ પલ્લી ધનની પ્રાપ્તિ બતાવે. બાકી પ્રવાસના શોખીન મિત્રો માટે તમારી જાંઘ, પિંડી કે પગ કે પગના પંજા ઉપર ચડેલ પલ્લી કહે છે કે પગ ઉપાડો અને ઘરની બહાર જાવો. યાની કે સુખદ પ્રવાસ કરો. શૌનક ઋષિ, શુક્ર મુનિ અને ગર્ગ વગેરે મુનિઓએ સાથે એ પણ જણાવ્યું છે કે શરીરના જે ભાગમાં સ્પષ્ટ ડાબા અને જમણાનો તફાવત છે, ત્યાં ડાબા અંગ ઉપર ચડેલ પલ્લી જ ફળ આપે છે, જમણા અંગ વાળી નહીં. હા, મસ્તક, ધ્યેય, નાભિ કે ગ્રહ ભાગ જેવા અંગો જ્યાં ડાબા – જમણાનો ફરક નથી, ત્યાં ઉપરોકત વર્ણવેલ ફળ મળશે જ.

Most Popular

To Top