ગાંધીનગર : પાલિતાણામાં (Palitana) જૈન મંદિર પર હુમલાની ઘટનાના વિરોધમાં રાજયભરમાં જૈન (Jain) સમાજના અગ્રણીઓ દ્વારા રેલીઓ યોજવામાં આવી હતી. મહાતીર્થ શેત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળા ગામમાં જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાંને મલિન તત્વો દ્વારા ખંડિત કરવામાં આવ્યા હતા. અને સાથે સાથે મંદિર પર લગાવેલા સીસીટીવી કેમેરા તથા થાંભલાઓ તોડી પાડવામાં આવ્યા હતા. જેના પગલે રાજય સરકારે હવે મહત્વનો નિર્ણય લઈને પાલિતાણા ખાતે પોલીસની (Police) ટાસ્ક ફોર્સ રચવાનો નિર્ણય લીધો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શત્રુંજય ગિરિરાજની તળેટીમાં નીચે એક પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પોલીસ ચોકી માટે પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મચારીઓનો સ્ટાફ પણ મૂકવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોર્સ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં કોઇ પણ ગેરકાયદે પ્રવૃત્તિ અને ગુનાઓને ડામવા માટે કામગીરી કરશે.
ટાસ્ક ફોર્સમા એક પોસઈ, બે એએસઆઈ, 3 હેડ કોન્સ્ટેબલ, 12 પો. કો., 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા હોમ ગાર્ડઝ અને 8 જેટલા ટીઆરબીના જવાનોનો સમાવેશ થાય છે. શૈત્રુંજય પર્વતની સુરક્ષા પણ આ ટાસ્ક ફોર્સ સંભાળશે. સંઘવીએ જણાવ્યું હતું કે, ગિરિરાજ શેત્રુંજય પર્વતની આસ્થા ક્યારેય ઓછી ન થાય અને હંમેશા તે આસ્થા બની રહે તે માટે ગુજરાત સરકાર વર્ષોથી કામ કરી રહી છે અને આ સાથે જ ત્યાં સરકાર દ્વારા કડકમાં કડક વ્યવસ્થાઓ ગોઠવી આપવામાં આવશે. સાથે જ ત્યાં એક ટાસ્ક ફોર્સ ચિંતન કરીને ઝડપી પગલાઓ ભરશે.
શૈત્રુંજય પર્વત પર નીલકંઠ મહાદેવનો વહીવટ આણંદજી કલ્યાણજી પેઢી ધ્વારા મંદિરનો કબજો લઇને પુજારી તથા ચોકીદાર નક્કી કરવામાં આવતા સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી. જેના પગલે નીલકંઠ મહાદેવ મંદિર સામે સીસીટીવી લગાવાતા મંદિરના પુજારી અને તેના સમર્થકોએ આ સીસીટીવી તોડી પાડ્યા હતા.આ ઘટના પછી શૈત્રુંજય પર્વત પર સમગ્ર મામલો બીચકયો હતો.