AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને છ મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારોની પસંદગીને લઈ કાર્યકોરમાં રોષ ફેલાઈ શકે છે, તેવા ડરને કારણે મોડી સાંજ સુધી કોંગ્રેસે યાદી જાહેર કરી નહોતી. બીજી તરફ પાલડી ( PALDI) સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ( CONGRESS OFFICE) ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે જ ખાનગી બાઉન્સરોને પણ સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાઓની બેઠક માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા બાદ નામ જાહેર કરવાની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. ભારે ખેંચતાણ અને વિરોધના પગલે પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓ યાદી જાહેર કરવામાં દ્વિધા અનુભવી રહ્યા છે. વિરોધ અને કાર્યકરોમાં રોષને પગલે કોંગ્રેસ દ્વારા યાદી બહાર પાડવાના બદલે જે ઉમેદવારોનું નામ નક્કી થયું છે, તેઓને ટેલિફોનિક સૂચનાઓ આપવામાં આવી રહી છે. જ્યારે અન્ય ઉમેદવારો માટે સીધા જ ફોર્મ ભરવાની કચેરી ખાતે મેન્ડેટ મોકલવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
બીજી તરફ અમદાવાદમાં કેટલીક બેઠકો ઉપર સ્થાનિક ઉમેદવારોના નામ કપાયા હોવાનું જાણવા મળતાં કાર્યકરોના ટોળે ટોળા પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા અને ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. શહેરના અસારવા, ચાંદખેડા, બાપુનગર, વાસણા સાહિત્યના વોર્ડના કાર્યકરો મોટી સંખ્યામાં પ્રદેશ કાર્યાલય ખાતે રજૂઆત કરવા દોડી ગયા હતા. તેને ધ્યાનમાં રાખીને પહેલેથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાનગી રીતે પણ પ્રદેશ કોંગ્રેસ દ્વારા બાઉન્સરોને સુરક્ષા માટે તેનાત કરવામાં આવ્યા છે. અગાઉ અનેક વખત ચૂંટણીમાં ઉમેદવારોને લઈને કોંગ્રેસમાં દેખાવો અને હંગામો થતા આવ્યાં છે, જેમાં કેટલાક કાર્યકરો ઓફિસમાં તોડફોડ પણ કરતા હોય છે. જેના પગલે આ વખતે આવી કોઈ સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પહેલાથી જ આગોતરું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે.
સ્થાનિક ઉમેદવારોની અવગણના કરાઈ હોવાના કાર્યકરોના આક્ષેપો
કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમટી પડેલા કાર્યકરોનો આક્ષેપ હતો કે સ્થાનિક ઉમેદવારોની અવગણના કરવામાં આવી રહી છે, અને બહારથી આયાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. તેવી જાણ થતા જ સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.