SURAT

પાલ કેનાલ રોડ પર એક વર્ષમાં સાત વાર પાણીની લાઈનમાં ભંગાણ થતાં સ્થાનિક રહીશો પરેશાન

સુરત મહાનગરપાલિકાની લાપરવાહીને કારણે પાલ કેનાલ રોડ પર વસવાટ કરતાં સેકડો પરિવારો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

પાલ કેનાલ રોડ પર છેલ્લા એક વર્ષમાં એક જ સ્થળે સાત વખત ભંગાણ સર્જાતાં હાઈડ્રોલિક વિભાગની કામગીરી વિરૂદ્ધ સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે હાઈડ્રોલિક વિભાગ હારા કામગીરી દરમિયાન રસ્તા પર ડાયવર્ઝન ન આપતાં પીક અવર્સમાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતાં વાહન ચાલકોમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો.

પાલ કેનાલ રોડ પર પુજા ફ્લેટ્સ પાસે છેલ્લા એક વર્ષમાં સતત સાતમી વખત એક જ જગ્યાએ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડવાને કારણે આસપાસનાં વિસ્તારોમાં પાણીની મોકાણ સર્જાવા પામી છે. સ્થાનિકોની ફરિયાદને પગલો આજે વધુ એક વખત હાઈડ્રોલિક વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જો કે, સ્થાનિકોમાં હાઈડ્રોલિક વિભાગની કામગીરી વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો. એક વખત ભંગાણ સર્જાતાં હાઈડ્રોલિક વિભાગ દ્વારા કામગીરીનાં નામે પાટા પિંડી કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો.

બીજી તરફ આજે સવારે હાઈડ્રોલિક વિભાગ દ્વારા કામગીરી દરમિયાન રસ્તાનું ખોદાણ કરી દેવામાં આવ્યું હતું અને વધુમાં આ રસ્તા પર ડાયવર્ઝન ૫ણ ઊભું કરવામાં આવ્યું ન હતું. જેને પગલે પીક અવર્સમાં પુજા ફ્લેટ્સ સામેથી પસાર થતાં રસ્તા  પર ભારે ટ્રાકિકજામના દ્રસ્યો સર્જાયા હતા.

નોકરી- ધંધા માટે નીકળેલાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવી પડ્યો હતો અને જેને પગલે હાઈડ્રોલિક વિભાગની ધરાર લાપરવાહી વિરુદ્ધ  માછલાં ધોવાયા હતા.બીજી તરફ સ્વાનિકોનાં જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હાલમાં મેટ્રોની કામગીરીને પગલે ઓવરલોડ ડમ્પર કુલ સ્પીડમાં દોડતાં હોવાને કારણે પેવર બ્લોક બેસી જતાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થઈ રહ્યું છે.

જો કે, આ સંદર્ભે હાઈડ્રોલિક વિભાગનાં ઈજનેરો આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે અને કાયમી સમસ્યાનું સમાધાન શોધવાને બદલે છાશવારે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતાં માત્ર સમારકામ કરીને વિભાગ દ્વારા કામગીરી કર્યાનો સંતોષ માનવામાં આવી રહ્યો છે.

આરસીસી રોડ પર ડામર નો પેચ મારીને સંતોષ માનવામાં આવતો હોવાથી વાહન ચાલકો વધારે હેરાન થતા હોવાની પણ બૂમ ઊઠી છે.

Most Popular

To Top