સુરતમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલું એક્વેરિયમ માત્ર 11 વર્ષમાં ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ તંત્રને આડે હાથ લેતા જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી એકધારું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ એકધારું શાસન કરતી ભારતીય જનતા પાર્ટીનું 11 વર્ષ પહેલાનું ભ્રષ્ટાચારનું મોટું ઉદાહરણ આપણી સામે હવે આવ્યું છે.
11 વર્ષ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા અડાજણ પાલ વિસ્તારમાં એક એક્વેરિયમ બનાવવામાં આવ્યું હતું. આ જે આજે 11 વર્ષ પછી ખખડધજ થઈ ગયું છે. ગમે ત્યારે પડી શકે તેવી પરિસ્થિતિમાં આવી ગયું છે. આજથી 10 મહિના પહેલા તેનો સ્ટ્રકચર રિપોર્ટ આવ્યો. આ આખું એક્વેરિયમ હવે ચલાવી શકાય તેમ નથી. કોઈ પણ સમયે આમાં મોટી દુર્ઘટના બની શકે છે. મારે ભારતીય જનતા પાર્ટીને સવાલ કરવો છે, પરંતુ સુરતની સાથે ગુજરાતની જનતાને જણાવવા માગું છું કે એકધારી સત્તાનું આ દુષ્ટ પરિણામ છે.
AAP શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવાસસ્થાન હોય કે પોતાના ઘરનું બનેલું બિલ્ડીંગ હોય, તે કેમ 40 થી 50 વર્ષ સુધી ટકે છે ? શાસકો દ્વારા બનેલું બિલ્ડીંગ કે જે વધારે પૈસા આપીને બનાવવામાં આવે છે છતાં આ બિલ્ડીંગ 10 થી 11 વર્ષમાં કેમ ખખડધજ થઈ જાય છે? 10 મહિના પહેલા રિપોર્ટ આપ્યો છે પરંતુ હજુ સુધી તેનું મેન્ટેનન્સ કરવું, ટેન્ડર બહાર પાડવા, શું કામ કરવું આવી કોઈ તૈયારી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી.
આ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા સાથે ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. સુરતની જનતામાં ભ્રમણા ફેલાવીને છેલ્લા 30 વર્ષથી ભાજપે એકધારું શાસન ચલાવ્યું છે. સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના આવા અસંખ્ય ઉદાહરણ જોવા મળે છે.
સામાન્ય માણસ પોતાના ઘર બનાવવા માટે 1000 થી 1200 રૂપિયા પર સ્ક્વેર ફીટ સારું બિલ્ડીંગ બનાવે છે. જેને 30 થી 50 વર્ષ સુધી કંઇ થતું નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીનાં શાસકો સુરત મહાનગરપાલિકામાં 1800 થી 2200 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટ આપે છે છતાં પણ અહીંના મકાન, બિલ્ડીંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જે ભાજપની નજર હેઠળ બને છે તેમાં જનતાનાં પૈસાનો દૂર ઉપયોગ થાય છે. ભ્રષ્ટાચારનાં અડ્ડા બની ગયા છે.
આટલા મહિના પછી પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત તમામ શાસકો અવઢવમાં મૂકાયા છે કે આ બિલ્ડિંગ રિપેર કરવું કે નહીં. સુરતની જનતા ભાજપના ચહેરાને જેટલો જલ્દી ઓળખી લેશે તેટલું જલ્દી સુરત અને ગુજરાતની જનતા માટે સારું રહેશે.