Editorial

પાકિસ્તાનની નબળી હાલત આપણા દેશ માટે ખતરો બની શકે છે

પાકિસ્તાનના કરાચીમાં પોલીસ વડા મથકમાં સંખ્યાબંધ બંદૂકધારીઓ ઘૂસી ગયા હતા અને પોલીસ તથા હુમલાખોરો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. સિંધના મુખ્ય મંત્રી મુરાદઅલી શાહના જણાવ્યા અનુસાર આ હુમલામાં સુરક્ષાદળોના ચાર જવાનનાં મૃત્યુ થયાં છે, જ્યારે 14 ઘાયલ થયા છે. આ હુમલામાં પોલીસે ત્રણ ઉગ્રવાદીઓને ઠાર કર્યા હોવાનું પણ શાહે જણાવ્યું છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પોલીસ વડા મથક પર થયેલા આ હુમલાની ટીકા કરતાં કહ્યું છે કે ‘પાકિસ્તાન આતંકવાદનાં મૂળ ઉખાડી નાખશે.’

ટ્વિટર પર પોસ્ટ કરેલા સંદેશમાં શરીફે કહ્યું, ‘આતંકવાદીઓ કદાચ ભૂલી ગયા હતા કે પાકિસ્તાન એ દેશ છે જેણે આતંકવાદને બહાદૂરીથી હરાવ્યો છે. ગત બે દાયકામાં આ દેશે આતંકવાદ સાથે પોતાના લોહીથી લડાઈ લડી છે.’આ પહેલાં સિંધ સરકારના પ્રવક્તા અને લૉ ઍડવાઇઝર મુર્તઝા વહાબે હુમલાખોરો સામેનું અભિયાન પૂરું થઈ ગયું હોવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે શુક્રવાર રાતે પાકિસ્તાનના કરાચીમાં પોલીસ વડા મથકમાં બંદૂકધારીઓ ઘૂસી ગયા હતા અને પોલીસ અને હુમલાખોરો વચ્ચે ભારે ગોળીબાર શરૂ થયો હતો.

હુમલાખોરોએ હેન્ડ ગ્રૅનેડ પણ ફેંક્યા હતા. વડા મથકની અંદર હાજર રહેલા પોલીસ સ્ટાફે ઇમારતની વીજળી બંધ કરી દીધી હતી અને પ્રવેશદ્વાર બ્લૉક કરી દીધા હતા. શહેરના બીજા વિસ્તારોમાંથી પણ પોલીસકર્મીઓને વડા મથક તરફ મોકલાયા હતાં. આ હુમલા બાદ  પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ હુમલા બાદ ટ્વિટ કર્યું હતું કે, ‘કરાચી પોલીસ પર થયેલા આતંકવાદી હુમલાની હું નિંદા કરું છું. ભૂતકાળમાં પણ સિંધ પોલીસે આતંકવાદીઓનો બહાદુરીથી સામનો કર્યો છે અને એમને હરાવ્યા છે.અમને એમના પર પૂરો ભરોસો છે કે તેઓ ફરીથી આવું જ કરશે.

આવા કાયરતાપૂર્ણ હુમલાઓ અમને નહીં રોકી શકે.’સિંધમાં બિલાવલની પાર્ટી ‘પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી’ની જ સરકાર છે. આ પહેલાં શુક્રવારે પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહને આઈજી સિંધે જણાવ્યું હતું પોલીસ વડા મથકમાં છથી સાત હુમલાખોરો ઘૂસ્યા છે. એક સ્થાનિક ટીવી ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સિંધની સરકારના સંપર્કમાં છે અને તમામ પ્રકારની મદદ કરવા માટે તત્પર છે. રાણા સનાઉલ્લાહે કહ્યું છે, ‘વર્તમાન ઇમારતના ત્રીજા માળે હુમલાખોરો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે.’

આ હુમલાની જવાબદારી સ્વીકારનાર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન પાકિસ્તાનના કબિલાઈ વિસ્તારમાં સક્રીય છે. ટીટીપીની સ્થાપના 2007માં કરવામાં આવી હતી અને તે પાકિસ્તાનમાં પોતાની માન્યતા અનુસારના ઇસ્લામને લાગુ કરવા માગે છે. પાકિસ્તાની સૈન્યે ભારે પ્રયાસો બાદ આ ઉગ્રવાદી સંગઠનનો પ્રભાવ ઓછો કર્યો હતો પણ હવે તહેરિક-એ-તાલિબાન ફરીથી સક્રિય થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે, પાકિસ્તાનની હાલત એટલી હદે કથળી ગઇ છે કે, ત્યાં કંઇ પણ થઇ શકે છે. હાલમાં જે રીતે પાકિસ્તાન આર્થિક રીતે કથળી ગયું છે અને લોકો અનાજના દાણે દાણા માટે મોહતાજ થઇ ગયા છે. તેવા સંજોગોમાં ત્યાં સિવિલ વોર થાય તેવી તો પૂરેપૂરી શક્યતા છે જ.

સાથે સાથે સૌથી વધુ જે ખતરો છે તે આતંકવાદીઓનો છે. પાકિસ્તાને જ દૂધ ઉછેરી ઉછેરીને મોટા કરેલા આતંકવાદરૂપી સાપ ઉપર હવે પાકિસ્તાનનો કોઇ જ કમાન્ડ રહ્યો નથી. ખાસ કરીને તહેરિકે તાલિબાન પાકિસ્તાન તો દિવસેને દિવસે વધુ મજબૂત થઇ રહ્યું છે. આ આતંકવાદી સંગઠન અને પાકિસ્તાન સરકાર વચ્ચે આંતરિક ખટરાગ જે હોય તે. પરંતુ પાકિસ્તાન એક પરમાણુ શક્તિ ધરાવતું રાષ્ટ્ર છે. અને જો આ દેશમાં આતંકવાદી સંગઠન હાવી જઇ જાય તો આ પરમાણુ શસ્ત્ર તેમના હાથમાં આવી શકે તેમ છે એટલે આ દુનિયા માટે તો ખતરો છે જ પરંતુ આપણા દેશ માટે તો ખૂબ જ મોટો ખતરો છે.

Most Popular

To Top