National

પાકિસ્તાની આતંકવાદી અશરફ 10 વર્ષથી ભારતમાં રહેતો હતો

દિલ્હી પોલીસે (Delhi Police) મંગળવારે કહ્યું હતું કે તેણે એક 40 વર્ષીય પાકિસ્તાની ત્રાસવાદીની (Pakistani Terrorist) ધરપકડ કરી તહેવારો દરમિયાન એક મોટા ત્રાસવાદી હુમલાને નિષ્ફળ કર્યો છે, આ ત્રાસવાદી ISI સાથે સંકળાયેલો છે અને બનાવટી ઓળખ સાથે તે ભારતમાં 10 વર્ષ કરતા વધુ સમયથી રહી રહ્યો છે.

મોહમ્મદ અશરફ ઉર્ફ અલી અહેમદ નૂરી પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો નિવાસી છે, તે બાંગ્લાદેશ થઈને પ. બંગાળની સિલીગુડી સીમાથી ભારતમાં ઘુસ્યો હતો, તે 10 વર્ષોથી દેશમાં રહી રહ્યો છે અને તેણે બનાવટી દસ્તાવેજો મારફતે ભારતીય ઓળખ પત્રો મેળવી લીધા હતાં, એમ ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (સ્પેશિયલ સેલ) પ્રમોદ સિંહ કુશવાહાએ કહ્યું હતું.

અશરફ ભૂતકાળમાં જમ્મુ કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં ત્રાસવાદી હુમલા માટે શકમંદ છે

પોલીસે કહ્યું હતું કે પ્રાથમિક પૂછપરછથી જાણવા મળ્યું હતું કે અશરફ ભારતમાં સ્લીપર સેલના વડા તરીકે કામ કરી રહ્યો હતો અને પાકિસ્તાનના આઈએસઆઈ(ISI)ના હુકમથી તહેવારોની સીઝનમાં ત્રાસવાદી હુમલો (Terrorist Attack In Diwali)કરવાનો હતો. પૂછપરછના આધારે યમુના પારના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં જ્યાંથી એક એકે-47 રાઈફલ, એક હેન્ડ ગ્રેનેડ, એક-47ની બે મેગઝીન સાથે 60 રાઉન્ડ, ચીનમાં બનેલી 2 મોંધી પિસ્તોલ તેના 50 રાઉન્ડ, એક ભારતીય પાસપોર્ટ અને અન્ય ભારતીય ઓળખ પત્રો તેના કબ્જામાંથી મળી આવ્યા હતાં, એમ પોલીસે દાવો કર્યો હતો. તે ભારતમાં મૌલાના તરીકે રહેતો હતો. જાણવા મળ્યું હતું કે એક પાકિસ્તાની નાગરિક ભારતમાં ત્રાસવાદી હુમલાઓ કરવાનો છે અને તે હથિયારો અને વિસ્ફોટકો મેળવવા યોજનાના અગ્ર તબક્કામાં છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું, અશરફે 10માંની શિક્ષા પૂરી કરી ત્યારબાદ 6 મહિનાના પ્રશિક્ષણ બાદ તેને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા નિયુક્ત કરાયો હતો. અશરફે 10 વર્ષના સમયગાળામાં 5-6 જગ્યાઓ બદલી હતી. તે ક્યારેય પણ એક જગ્યાએ લાંબા સમય સુધી રોકાતો ન હતો. તેણે ભારતના ઓળખપત્રો મેળવવા એક મહિલા સાથે લગ્ન પણ કર્યા હતાં. પોલીસ આગળની તપાસ કરી રહી છે સાથે જ તે જાણવાના પણ પ્રયાસ ચાલુ છે કે શું તેણે એકલા હાથે ત્રાસવાદી હુમલો કરવાની યોજના બનાવી હતી.

2009માં જમ્મુ બસ સ્ટેન્ડ પર બોમ્બ વિસ્ફોટમાં ISI સંડોવાયેલી હતી

આતંકવાદી અશરફે ખૂલાસો કર્યો કે, જમ્મુ બસ સ્ટેન્ડ પર 2009 માં થયેલા બોમ્બ વિસ્ફોટમાં પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા ISI સંડોવાયેલી હતી. દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અશરફે પૂછપરછ દરમિયાન આ ખુલાસો કર્યો છે. 2009 માં જમ્મુના બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ થયો હતો, જેમાં 3-4 લોકો માર્યા ગયા હતા, જે આઈએસઆઈ અધિકારી નાસિરના ઈશારે કરવામાં આવ્યો હતો.

2011 માં દિલ્હી હાઈકોર્ટની બહાર થયેલા વિસ્ફોટો પહેલા, આ જ આતંકવાદીએ પરિસરની પુન: તપાસ પણ કરી હતી. અશરફે ખુલાસો કર્યો કે 2011 માં દિલ્હી હાઈકોર્ટમાં બ્લાસ્ટ કરવા માટે બે પાકિસ્તાની આવ્યા હતા. તેમાંથી એકનું નામ ગુલામ સરવર હતું. તેણે જમ્મુ -કાશ્મીરમાં 5 આર્મી જવાનોની ક્રૂર હત્યામાં પોતાની સંડોવણીની કબૂલાત કરી હતી. 2011 ની આસપાસ, તેણે ITO ખાતે પોલીસ હેડક્વાર્ટર (જૂના પોલીસ હેડક્વાર્ટર) ની અનેક જાસૂસી કરી, પરંતુ પોલીસ લોકોને પરિસરની બહાર રોકવા દેતી ન હોવાથી વધુ માહિતી એકઠી કરી શકી નહીં. આ સાથે, તેણે પાકિસ્તાનમાં તેના માસ્ટર્સને ISBT વિશેની માહિતી પણ મોકલી હતી. હાલમાં તપાસ એજન્સીઓ તેની સામે સવાલ ઉઠાવી રહી છે કે શું તે દિલ્હીમાં થયેલા કોઈ બ્લાસ્ટમાં સામેલ હતો.

Most Popular

To Top