નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) કરાચીથી નોએડા (Noida) પહોંચી સીમા હૈદરનો કેસ દરરોજ એક નવો વળાંક લઇ રહ્યો છે. પાકિસ્તાની સીમા હૈદર (Seema Haider) અને સચિન મીનાની પબજી લવ સ્ટોરી કેટલાક સમયથી ખૂબ ચર્ચામાં છે. તેમજ યુપી એટીએસની (ATS) બે દિવસ સુધી પૂછપરછ પછી સીમાની સરહદની ઓળખને લઈને ઘણા પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. તે પાકિસ્તાની જાસૂસ છે ત્યાં સુધી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે એટીએસને હજુ સુધી આ મામલે કોઈ સુરાગ નથી મળ્યો. આ વચ્ચે સીમાની ઓળખને લઇને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સીમા પોતાનું નામ બદલીને ભારતમાં આવી હતી. તેણે નેપાળના પોખરાથી ગ્રેટર નોએડા માટે બસ લીધી હતી. બસમાં મુસાફરી દરમિયાન સીમો પોતાનું નામ પ્રીતિ બતાવ્યુ હતું. એટલું જ નહિ તેણે પોતાની ભારતીય ઓળખ માટે ભારતીય આધાર કાર્ડ હોવાનો દાવો પણ કર્યો હતો.
સીમા હૈદરે ભારતીય ઓળખ સાથે પ્રીતિ નામ બદલીને બસમાં ચાર સીટ બુક કરાવી હતી. જેમાં તેણી પોતાના ચાર બાળકો સાથે ભારત આવી હતી. જો કે બસ સર્વિસના મેનેજર પ્રસન્ના ગૌતમે જણાવ્યુ હતું કે બસમાં મુસાફરી દરમિયાન સીમાએ પોતાની ઓળખ પ્રીતિ તરીકે કરાવી હતી. જ્યારે તેને આઇડી વિશે પૂછવામાં આવ્યુ ત્યારે તેણીએ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહ્યુx હતું કે તેની પાસે ભારતીય આધાર કાર્ડ છે.
બસ સર્વિસના મેનેજરે વધુમાં કહ્યું કે સીમા પાસે ભાડું ચૂકવવા માટે નેપાળી ચલણ ઓછું હતું, ત્યારબાદ તેણે UPI મારફતે બાકીના પૈસા ટ્રાન્સફર કરવા માટે ભારતમાં રહેતા મિત્ર (કદાચ સચિન)ને ફોન કર્યો હતો. તેના ભારતીય મિત્રએ બાકીના રૂ. 6000 એટલે કે રૂ. 3750 ભારતીય ચલણમાં UPI દ્વારા ચૂકવ્યા હતા. નોએડા સુધી જવા માટે સીમાએ 12 હજાર નેપાળી ચલણ ચૂકવ્યું હતું.
પાકિસ્તાની સીમા અને નોએડાના સચિન નેપાળની રાજધાની કાઠમાંડુના ન્યુ વિનાયક હોટેલમાં રોકાયા હતા. બંનેને હોટલનો રૂમ નંબર 204 મળ્યો હતો. આ હોટેલમાં સાત દિવસ રોકાયા બાદ તેઓ ટેક્સી લઇને નીકળી ગયા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે જે હોટેલમાં તેઓ રોકાયા હતા ત્યાંના રજીસ્ટરમાં બંનેની એન્ટ્રી જ નથી. જે મુદ્દે હોટેલ મેનેજમેન્ટનું કહેવું છે કે તેઓએ પોતાનું નામ બદલીને એન્ટ્રી કરાવી હશે. સીમાએ હોટલમાં કહ્યું ન હતું કે તે પાકિસ્તાની છે.